PM Modi Address Highlights: સંસદમાં 'નારી શક્તિ વંદન અધિનિયમ' (મહિલા અનામત બિલ) પાસ ન થઈ શક્યા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે રાષ્ટ્રજોગ સંબોધન કરતા એક તરફ બિલ પસાર ન થવા બદલ દેશની મહિલાઓની માફી માંગી છે, તો બીજી તરફ બિલ અટકાવવા બદલ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ વિરોધ પક્ષો પર સ્વાર્થી રાજકારણ રમવાનો આરોપ લગાવતા કહ્યું કે, સંસદમાં જે થયું તે માત્ર કોઈ રાજકીય ઘટના નહોતી, પરંતુ ભારતની અડધી વસ્તીના આત્મસન્માન પર સીધો હુમલો હતો. વડાપ્રધાનના આ સંબોધનથી મહિલા અનામતનો મુદ્દો ફરી એકવાર રાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. આવો સરળ ભાષામાં જાણીએ પીએમ મોદીના આ અત્યંત મહત્વપૂર્ણ ભાષણની 10 મોટી વાતો.
પીએમ મોદીના ભાષણના 10 મુખ્ય મુદ્દાઓ:
- બહુમતી ન મળી પણ આશીર્વાદ સાથે: પીએમ મોદીએ કહ્યું કે ભલે આજે બિલ પાસ કરવા માટે જરૂરી 66% મતો આપણને ન મળ્યા હોય, પણ હું જાણું છું કે દેશની 100% મહિલા શક્તિના પૂરા આશીર્વાદ આપણી સાથે છે.
- સ્ત્રી અપમાન ક્યારેય ભૂલતી નથી: વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, "આ લોકો મહિલાઓના અધિકારો છીનવીને ખુશીથી ટેબલ થપથપાવી રહ્યા હતા. આ માત્ર ટેબલ થપથપાવવાની વાત નહોતી, આ એક સ્ત્રીના આત્મસન્માન પર હુમલો હતો. અને યાદ રાખજો, સ્ત્રી બધું ભૂલી જાય છે, પરંતુ પોતાનું અપમાન ક્યારેય ભૂલતી નથી."
- સુધારો સમયની માંગ: નારી શક્તિ વંદન કાયદો એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. આ સુધારો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એમ તમામ રાજ્યોના સમાન વિકાસને સુનિશ્ચિત કરવાનો એક પ્રામાણિક પ્રયાસ હતો.
- કોંગ્રેસે પ્રયાસ તોડી પાડ્યો: કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દ્વારા ગૃહમાં આખા દેશની સામે મહિલા સશક્તિકરણના આ પ્રામાણિક પ્રયાસને જાણીજોઈને તોડી પાડવામાં આવ્યો છે.
- ભાઈ બહેનની પાર્ટીઓનો ડર: આ બિલના વિરોધનું મુખ્ય કારણ આ ભાઈ બહેનવાળી પાર્ટીઓનો ડર છે! તેમને ડર છે કે જો મહિલાઓ તાકાતવર બનશે, તો તેમનું નેતૃત્વ જોખમમાં આવી જશે.
- કોઈનું પ્રતિનિધિત્વ ઘટશે નહીં: સરકારે પહેલા દિવસથી જ સ્પષ્ટ કરી દીધું છે કે બિલ આવવાથી કોઈપણ રાજ્યનો ભાગીદારી ગુણોત્તર બદલાશે નહીં કે કોઈનું પ્રતિનિધિત્વ ઘટશે નહીં. બલ્કે, બધા જ રાજ્યોમાં બેઠકો સમાન પ્રમાણમાં વધશે.
- કોંગ્રેસ હંમેશા સુધારા વિરોધી: મહિલા અનામતનો વિરોધ કરીને કોંગ્રેસે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે સુધારા વિરોધી પક્ષ છે. કામમાં વિલંબ કરવો, ધ્યાન ભટકાવવું અને અડચણો ઉભી કરવી એ જ હંમેશા કોંગ્રેસનો મૂળ સિદ્ધાંત રહ્યો છે.
- ક્રેડિટ વિપક્ષને આપવા તૈયાર હતો: આ મુદ્દો કોઈ ક્રેડિટ લેવાનો નહોતો. મેં સંસદમાં પણ કહ્યું હતું કે અડધી વસ્તીને તેમના હક મળવા દો, હું અખબારમાં જાહેરાત આપીને આનો બધો જ શ્રેય વિપક્ષને આપી દઈશ.
- દરેક અવરોધ દૂર કરીશું: હું દેશની દરેક મહિલાને પૂરી ખાતરી આપું છું કે અમે મહિલા અનામતના માર્ગમાં આવતા દરેક અવરોધને ગમે તેમ કરીને દૂર કરીશું.
- મહિલા શક્તિને હળવાશથી ન લો: હું સંસદમાં આ બિલનો વિરોધ કરનારા તમામ પક્ષોને સ્પષ્ટ કહીશ કે આ લોકો મહિલા શક્તિને હળવાશથી લેવાની બહુ મોટી ભૂલ કરી રહ્યા છે.
