PM Modi Speech: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ યમુના મૈયા કી જયના નારા સાથે પોતાનું ભાષણ શરૂ કર્યું અને સમાપ્ત કર્યું. ભાજપની જીતને ઐતિહાસિક ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે હવે રાષ્ટ્રીય રાજધાની એક દાયકાની આપદામાંથી મુક્ત થઈ છે.
પીએમ મોદીએ AAP પર આકરા પ્રહારો કર્યા
પીએમ મોદીએ કહ્યું કે આ જનાદેશથી સ્પષ્ટ થાય છે કે આજે દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ છે. આડંબર, અરાજકતા, ઘમંડ અને દિલ્હી પર છવાયેલી આપદાની હાર થઈ છે. વડાપ્રધાને એમ પણ કહ્યું કે આજે દિલ્હીની જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે દિલ્હીના અસલી માલિક માત્ર દિલ્હીના લોકો છે. કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ પોતાનું ભાષણ બે વાર રોકવું પડ્યું.
પીએમ મોદીએ બે વાર ભાષણ રોકવું પડ્યું
પહેલીવાર જ્યારે કોઈ કાર્યકર તસવીર સાથે પીએમ મોદી તરફ ઈશારો કરી રહ્યો હતો ત્યારે કાર્યકર્તાઓને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. તેમણે હાથ જોડીને કહ્યું, "તમારો ઉત્સાહ મારા સર આંખો પર, તમારી ફોટો પણ આવી ગઈ છે અને વિડિયોમાં પણ આવી ગયા છે. હવે તમે પ્રેમથી બેસો." થોડા સમય પછી એક કાર્યકરની તબિયત બગડી હતી તો ફરી પીએમ મોદીએ ભાષણ અટકાવ્યું અને સુરક્ષા કર્મચારીઓને તેમને પાણી પીવડાવવા માટે કહ્યું હતું. પીએમએ કહ્યું, તેમને ઊંઘ આવી રહી છે અથવા તેમની તબિયત ખરાબ છે. કોઈ તેમને પાણી પીવા માટે આપો."
પીએમ મોદીએ કહ્યું કે, "મેં ચૂંટણી પ્રચાર દરમિયાન સંકલ્પ લીધો છે કે અમે યમુનાને દિલ્હીની ઓળખ બનાવીશું. અમે માતા યમુનાની સેવા માટે તમામ પ્રયાસો કરીશું, અમે સેવાની ભાવના સાથે કામ કરીશું. આજના પરિણામોની બીજી બાજુ છે કે આપણું દિલ્હી માત્ર એક શહેર નથી, તે એક મીની-ભારત છે. દિલ્હી, એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારોને જીવે છે, આજે આ જ વિવિધતાવાળી દિલ્હીએ ભાજપને પ્રચંડ આશિર્વાદ આપ્યા છે.