Delhi : કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના (Agnipath scheme) સામે ચાલી રહેલા વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મંગળવારે ત્રણેય સેના પ્રમુખો સાથે બેઠક કરશે. ત્રણેય સેના પ્રમુખ પીએમ મોદીને મળશે અને તેમને અગ્નિપથ યોજના દ્વારા થનારી સૈન્ય ભરતી વિશે માહિતી આપશે. સરકારી સૂત્રોએ સમાચાર એજન્સી ANIને આ અંગે માહિતી આપી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યોજનાના વિરોધ અંગે પીએમ મોદી સેનાએ પ્રમુખોને કોઈ નિર્દેશ આપી શકે છે અને આ બેઠક બાદ કોઈ મોટી જાહેરાત થઇ શકે છે.
14મી જૂને કરાઈ હતી યોજનાની જાહેરાત
અગ્નિપથ યોજનાની જાહેરાત ગયા અઠવાડિયે કરવામાં આવી હતી અને વિરોધ પછી, કેન્દ્ર સરકારે સશસ્ત્ર દળોમાં નવી ભરતી યોજનાની આસપાસની આશંકાઓને દૂર કરવા માટે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક સહાયક પગલાં જાહેર કર્યા છે.
14મી જૂને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા ત્રણેય સેનાના પ્રમુખોની હાજરીમાં અગ્નિપથ યોજનાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સંરક્ષણ પ્રધાનને કહ્યું હતું કે આ એક પરિવર્તનની પહેલ છે જે સશસ્ત્ર દળોને નવી પ્રોફાઇલ આપશે.
કેન્દ્રીય કેબિનેટે આ યોજનાને મંજૂરી આપી હતી. આ યોજના હેઠળ પસંદ કરાયેલા યુવાનોને અગ્નિવીર કહેવામાં આવશે અને આ ભરતી ચાર વર્ષ માટે રહેશે. કુલ ઉમેદવારોમાંથી 25 ટકા ઉમેદવારોની ચાર વર્ષ પછી કાયમી નિમણૂક કરવામાં આવશે.
પીએમ મોદીએ ઈશારામાં કહ્યું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે "માત્ર સુધારાનો માર્ગ જ આપણને નવા લક્ષ્યો અને નવા સંકલ્પ તરફ લઈ જઈ શકે છે. સુધારા અસ્થાયી રૂપે અપ્રિય લાગે છે, પરંતુ સમય પસાર થવા સાથે તે ફાયદાકારક રહેશે." તેમણે અગ્નિપથ યોજનાનું નામ લીધા વિના કહ્યું, "શરૂઆતમાં કેટલાક નિર્ણયો અપ્રિય લાગે છે, પરંતુ બાદમાં દેશને તે નિર્ણયોના ફાયદાની અનુભૂતિ થાય છે, આ નિર્ણયો રાષ્ટ્ર નિર્માણમાં મદદ કરે છે."