પણજીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23 ઓક્ટોબરે ગોવાના લોકો સાથે આત્મનિર્ભર યોજના માટે સંબોધિત કરશે. 20 ઓક્ટોબરે જ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહી દીધુ હતુ કે, રાજ્યની ભાજપ સરકારની ધ્વજવાહક સ્વયંપૂર્ણ ગોવા યોજનાના કાર્યક્રમ અર્થે વડાપ્રધાન મોદી શનિવારે ગોવાના લોકોને ડિજીટલ માધ્યમથી સંબોધિત કરશે. સમાચાર એજન્સી એએનઆઆઇએ ટ્વીટ કરીને હવે આ વાતની ખાત્રી આપી છે, ટ્વીટમાં લખ્યું છે કે, પીએમ મોદી આવતીકાલે એટલે કે 23 ઓક્ટોબરે આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા યોજના અંતર્ગત લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. 


આ અગાઉ મુખ્યમંત્રી સાવંતે કહ્યુ હતુ કે એક સરપંચ, નગર નિગમના અધ્યક્ષ અને યોજનાના લાભાર્થી સહિત ગોવાના સાત લોકો સાથે પીએમ નરેન્દ્ર મોદી સવારે 11 વાગે કાર્યક્રમ દરમિયાન વાતચીત કરશે. કાર્યક્રમ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આત્મનિર્ભર ભારત પહેલનો જ વિસ્તાર છે. 


મુખ્યમંત્રીએ અગાઉ કહ્યું હતુ કે, કેન્દ્ર સરકારની દરેક યોજનાનો લાભ ગોવાના દરેક ખુણે ખુણાના લોકો પાસે પહોંચી રહ્યો છે. તેમને કહ્યું કે, રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ લોકોને ઘરે ઘરે પહોંચાડે છે.  આ યોજના અંતર્ગત સરકારી અધિકારી, શિક્ષક અને વિદ્યાર્થી પ્રત્યેક ગ્રામ પંચાયત પહોંચે છે. આનાથી દરેક સંશાધનનો ઉપયોગ કરીને દરેક ગામ આત્મનિર્ભર બને.