PM Modi to Meet Shehbaz Sharif: ઉઝબેકિસ્તાનમાં આવતા મહિને પીએમ મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફની મુલાકાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર SCO સમિટની બેઠકમાં આ મુલાકત થવાની પુરી શક્યતાઓ છે. SCO એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની શિખર બેઠક 15-16 સપ્ટેમ્બરના રોજ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાવાની છે.
માનવામાં આવી રહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી અને પાક પીએમ શાહબાઝ શરીફ આ બેઠકમાં ભાગ લેશે અને બંને SCO સમિટમાં મળી શકે છે. જોકે, બંને વચ્ચે ઔપચારિક મુલાકાત શક્ય નથી. પુલવામા આતંકી હુમલા બાદ બંને દેશોના પીએમ વચ્ચે કોઈ ઔપચારિક મુલાકાત થઈ નથી.
શી જિનપિંગ અને પુતિન પણ મળી શકે છે
ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આ જ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ હાજરી આપવાના છે. જો બંને આવશે તો આ બંને નેતાઓ સાથે પણ મુલાકાત થઈ શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી પીએમ મોદી પુતિન મળ્યા નથી. તો બીજી તરફ ગલવાન ઘાટીની ઘટના બન્યા પછી પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા નથી.
અહીં ઉલ્લેખનીય છે કે, SCO સંગઠનમાં ભારત, રશિયા, ચીન, પાકિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાન સહિત કુલ આઠ સભ્ય દેશો છે.
Jammu Kashmir: રાજૌરીમાં સૈન્ય કેમ્પમાં ઘૂસી રહેલા બે આતંકી ઠાર, ત્રણ જવાન શહીદ
જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાના જવાનો દ્વારા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે પાંચ જવાન ઘાયલ હોવાનું કહેવાય છે. આતંકવાદીઓ રાજૌરીમાં આર્મી કેમ્પમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ પહેલા કહેવામાં આવ્યું હતું કે આ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના બે જવાન ઘાયલ થયા છે.
આ પહેલા જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહે કહ્યું હતું કે, "કોઈએ રાજૌરીના દરહાલ વિસ્તારમાં સ્થિત આર્મી કેમ્પની વાડને ઓળંગવાનો પ્રયાસ કર્યો, જે દરમિયાન બંને તરફથી ગોળીબાર કરવામાં આવ્યો. દરહાલ પોલીસ સ્ટેશનથી છ કિલોમીટર દૂર વધારાની ટીમો મોકલવામાં આવી છે. જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને સેનાના બે જવાન ઘાયલ થયા હતા.
સ્વતંત્રતા દિવસ પહેલા દેશને હચમચાવી દેવા માટે આતંકવાદી સંગઠનો સતત કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓ સતર્ક છે અને ભારતીય સુરક્ષા દળો આતંકવાદીઓના નાપાક મનસૂબોને નિષ્ફળ બનાવી રહ્યા છે. રાજૌરીમાં આર્મી કેમ્પમાં આતંકી ઘૂસણખોરીનો પ્રયાસ ઉરી હુમલાની યાદ અપાવે છે.