PM Modi Urges People: વર્ષ 2023નો છેલ્લો દિવસ રવિવારે (31 ડિસેમ્બર) ઉજવીને લોકોએ આગામી વર્ષ 2024નું સ્વાગત કર્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે સોમવારે (01 જાન્યુઆરી) લોકોએ મંદિરમાં પૂજા અર્ચના કરીને દિવસની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ગુજરાતમાં લોકોએ સૂર્ય નમસ્કાર કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો હતો. ખાસ વાત છે કે, ગુજરાતવાસીઓએ એક સાથે સૂર્ય નમસ્કાર કરીને બધાને ચોંકાવી દીધા હતા. આવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંદેશો આપ્યો અને વિનંતી પણ કરી હતી. જુઓ પીએમ મોદીનું ટ્વીટ...


પીએમ મોદીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યુ- ગુજરાતે એક ઉલ્લેખનીય ઉપલબ્ધિની સાથે 2024નું સ્વાગત કર્યુ છે- 108 સ્થાનો પર એકસાથે સૌથી વધુ લોકો દ્વારા સૂર્ય નમસ્કાર કરવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. જેમ કે આપણે બધા જાણીએ છીએ, આપણી સંસ્કૃતિમાં 108 અંકનું વિશેષ મહત્વ છે.


‘સૂર્ય નમસ્કારને બનાવો દિનચર્યાનો ભાગ’
તેમણે વધુમાં કહ્યું, “સ્થળોમાં પ્રતિષ્ઠિત મોઢેરા સૂર્ય મંદિરનો સમાવેશ થાય છે, જ્યાં ઘણા લોકોએ ભાગ લીધો હતો. આ ખરેખર યોગ અને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો છે. હું તમને બધાને સૂર્ય નમસ્કારને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવવા વિનંતી કરું છું. ઘણા ફાયદા છે.”






ગુજરાતના સૂર્ય મંદિરમાં બન્યો વર્લ્ડ રેકોર્ડ 
મોઢેરા સૂર્યમંદિર ગુજરાતના પાટણથી 30 કિલોમીટર દક્ષિણમાં મોઢેરા ગામમાં આવેલું છે. આ મંદિરમાં નવા વર્ષની સવારે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ભાગ લીધો હતો.


ગિનીશ વર્લ્ડ રેકોર્ડના ઈન્સ્પેક્ટર સ્વપ્નિલ ડાંગરીકર પણ મોઢેરા પહોંચ્યા હતા. જે સૂર્ય નમસ્કાર કરતા મહત્તમ લોકોનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. તેમને કહ્યું કે આ એક નવો રેકોર્ડ છે, આ પહેલા કોઈએ આ રેકોર્ડ તોડવાનો પ્રયાસ કર્યો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પુરાવાઓની તપાસ કર્યા બાદ સ્પષ્ટ થાય છે કે આટલી મોટી સંખ્યામાં એકસાથે સૂર્ય નમસ્કાર કરીને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.