PM Modi US Visit Full Schedule: વડાપ્રધાન મોદી આજથી અમેરિકાના પ્રવાસ માટે રવાના થશે. વડાપ્રધાન મોદીના આ પ્રવાસ અંગે વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે આ પ્રવાસ બંન્ને દેશોના સંબંધોને લઇને એક સીમાચિહ્નરૂપ છે. જેમાં બંને પક્ષો વચ્ચે સંરક્ષણ સહિત ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહકારના નક્કર પરિણામોની અપેક્ષા છે.


PM મોદીએ સોમવારે ટ્વિટ કર્યું હતું કે યુએસ સંસદના સભ્યો, વિચારકો અને જીવનના તમામ ક્ષેત્રના લોકો મારી આગામી યુએસએ મુલાકાત પર તેમનો ઉત્સાહ શેર કરી રહ્યાં છે. આ માટે હું તેમનો આભાર માનું છું. આ પ્રકારનું સમર્થન ભારત-અમેરિકા સંબંધોના ઊંડાણને રેખાંકિત કરે છે.


PM નરેન્દ્ર મોદી 20 થી 25 જૂન સુધી અમેરિકા અને ઈજિપ્તના પ્રવાસે જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ બંને દેશો સાથે પહેલાથી જ મજબૂત સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા કરશે. વિદેશ સચિવે જણાવ્યું હતું કે વડા પ્રધાનની વોશિંગ્ટનની રાજ્ય મુલાકાતનું એક મહત્ત્વનું પાસું મજબૂત ટેક્નોલોજી જોડાણ અને ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક સંબંધો સુધારવાનું છે.


ક્વાત્રાએ કહ્યું કે વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે સંરક્ષણ સહ-ઉત્પાદન અને સહ-વિકાસ સંબંધિત તમામ પાસાઓ પર ચર્ચા થઈ શકે છે. પીએમ મોદીની યુએસ મુલાકાતનો એક મહત્વપૂર્ણ પરિમાણ ટેક્નોલોજી સાથે સંબંધિત છે અને તેમાં ટેલિકોમ સેક્ટર, સ્પેસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.


રાષ્ટ્રપતિ જો બાઇડન અને વડા પ્રધાન મોદી વચ્ચે ચર્ચાના મુદ્દાઓ અંગેના પ્રશ્નના જવાબમાં ક્વાત્રાએ કહ્યું કે અમે અહીંથી ચર્ચાનો એજન્ડા નક્કી કરી શકતા નથી, પરંતુ બંન્ને નેતાઓ વચ્ચેની ચર્ચા દરમિયાન મહત્વપૂર્ણ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ આવશે. બંન્ને નેતાઓ રશિયા-યુક્રેન યુદ્ધ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિતિ, આ ક્ષેત્રમાં ચીનના આક્રમક વલણ સહિત સામાન્ય હિતોને લગતા અન્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે.


વડાપ્રધાન મોદી અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડનના આમંત્રણ પર અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીનો યુએસ પ્રવાસ ન્યૂયોર્કમાં શરૂ થશે, જ્યાં તેઓ 21 જૂને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. ડિસેમ્બર 2014માં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરતો ઠરાવ પસાર કર્યો હતો.


યોગ દિવસની ઉજવણી પછી વડા પ્રધાન મોદી વોશિંગ્ટન ડીસી જશે, જ્યાં 22 જૂને વ્હાઇટ હાઉસમાં તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે અને યુએસ પ્રમુખ બાઇડનને મળશે. રાષ્ટ્રપતિ બાઇડન અને જિલ બાઇડન 22 જૂનની સાંજે વડાપ્રધાન મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરશે. વડાપ્રધાન મોદી 22 જૂને યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ બીજી વખત હશે જ્યારે વડાપ્રધાન યુએસ કોંગ્રેસને સંબોધિત કરશે. પીએમ મોદીએ આ પહેલા 2016માં યુએસ કોંગ્રેસને સંબોધિત કરી હતી.