દિલ્હીમાં સોમવારે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, "હું પીડિત પરિવાર સાથે છું અને ગુનેગારોને છોડવામાં આવશે નહીં." પોતાના ભાષણની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, "આજે હું ખૂબ જ ભારે હૃદય સાથે અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ બધાને દુઃખી કર્યા છે. આ પાછળના કાવતરાખોરોને બક્ષવામાં આવશે નહીં. આખો દેશ પીડિતોની સાથે ઉભો છે."
પીએમ મોદીએ કાવતરાખોરોને કડક ચેતવણી આપી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે તેઓ આખી રાત ઘટનાની તપાસ કરતી તમામ એજન્સીઓ સાથે સંપર્કમાં રહ્યા હતા અને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ ષડયંત્ર પાછળનું સત્ય ઉજાગર કરવા માટે તમામ સંસાધનો તૈનાત કરવામાં આવશે અને તેની પાછળના કાવતરાખોરોને છોડવામાં આવશે નહીં
વડાપ્રધાન પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે આખો રાષ્ટ્ર અકસ્માતમાં પ્રિયજનો ગુમાવનારા પરિવારોના દુઃખમાં સહભાગી છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી. સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓને ગુનેગારો સુધી પહોંચવા અને જવાબદારો સામે શક્ય તેટલી કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે ન્યાયી અને ઝડપી તપાસ કરવા માટે સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજનો દિવસ ભૂટાન, તેના રાજવી પરિવાર અને વિશ્વ શાંતિમાં વિશ્વાસ રાખનારા બધા લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ભારત અને ભૂટાન સદીઓથી ગાઢ, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક બંધન ધરાવે છે, જે તેમના સહિયારા વારસાને પ્રતિબિંબિત કરે છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપવી એ માત્ર ભારતના સંકલ્પ અને પ્રતિબદ્ધતાનું જ નહીં, પરંતુ તેમના પોતાના સંકલ્પનું પણ પ્રતીક છે. તેમણે કહ્યું કે ભારત હંમેશા ભૂટાનની સાથે રહેશે અને સમય જતાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે.