Sonia Gandhi Tests Covid Positive: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા છે. આ સમાચાર આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. પીએમ મોદીએ લખ્યું, "કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીજીની જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું."


આ પહેલાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, “કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ગયા સપ્તાહથી નેતાઓ અને કાર્યકરોને મળી રહ્યા હતા. આમાંથી કેટલાક લોકો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષને પણ બુધવારે સાંજે હળવો તાવ આવ્યો અને તેમણે કોવિડના કેટલાંક અન્ય લક્ષણો દેખાયાં હતાં, ત્યારબાદ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને સોનિયા ગાંધીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે."






કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે. સુરજેવાલાએ કહ્યું, "ડોક્ટરોની સલાહ મુજબ, કોંગ્રેસ અધ્યક્ષે પોતાને આઈસોલેશનમાં રાખ્યાં છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને શુભેચ્છકોએ ચિંતા વ્યક્ત કરી છે, તેથી અમે જાણકારી આપી રહ્યા છીએ કે, તેઓ સ્વસ્થ છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. શુભકામનાઓ માટે અમે તમારો આભાર માનીએ છીએ."


સૂરજેવાલાએ એમ પણ કહ્યું કે, "કોંગ્રેસ અધ્યક્ષ 8 જૂને ED સમક્ષ હાજર થશે, જેમ કે અમે અગાઉ જાણ કરી હતી. કોંગ્રેસ પાર્ટી ભવિષ્યના ઘટનાક્રમો વિશે માહિતી આપતાં રહેશે.


તમને જણાવી દઈએ કે, EDએ બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના નેતા રાહુલ ગાંધીને અખબાર 'નેશનલ હેરાલ્ડ' સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગના કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા. સોનિયા ગાંધીને ED દ્વારા 8 જૂને સેન્ટર દિલ્હીમાં તેમના મુખ્યાલયમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે, જ્યારે રાહુલ ગાંધીને 2 જૂને હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.