વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) રવિવારે સાંજે જાપાનની બે દિવસની મુલાકાતે રવાના થયા હતા, જ્યાં તેઓ ક્વાડ નેતાઓના એક શિખર સમ્મેલનમાં (Quad Summit 2022) સામેલ થશે. જે પ્રભાવશાળી સમૂહના સભ્ય દેશો વચ્ચેના સહકારને વધુ મજબૂત કરવા અને હિંદ પ્રશાંત ક્ષેત્ર સંબંધિત ઘટનાક્રમ પર ચર્ચા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
પીએમ મોદીએ એક નિવેદનમાં કહ્યું કે સમિટ ચાર સભ્ય દેશોના નેતાઓને ક્વાડ પહેલની પ્રગતિની સમીક્ષા કરવાની તક પૂરી પાડશે. ટોકિયોમાં 24 મેના રોજ યોજાનારી સમિટમાં મોદી ઉપરાંત અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસ સામેલ થશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું, "વિશ્વ કલ્યાણની શક્તિને આગળ લઈ જવા માટેની યાત્રા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોક્યો જવા રવાના થયા. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન અલ્બેનીસ, જાપાનના વડા પ્રધાન કિશિદા અને યુએસ પ્રમુખ જો બાઈડેન સાથે ક્વાડ નેતાઓનું શિખર સમ્મેલન’’
શિખર સંમેલન સિવાય વડાપ્રધાન નરેંદ્ર મોદી બિડેન, કિશિદા અને અલ્બેનીઝ સાથે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠક પણ કરશે. પીએમ મોદીએ કહ્યું, "જાપાનમાં, હું ક્વાડ નેતાઓની બીજી વન-ટુ-વન સમિટમાં પણ ભાગ લઈશ, જે ચાર ક્વાડ દેશોના નેતાઓને ક્વાડ પહેલની પ્રગતિની સમીક્ષા કરવાની તક આપશે." તેમણે કહ્યું, "અમે હિંદ-પ્રશાંત ક્ષેત્ર સાથે સંબંધિત ઘટનાક્રમ અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કરશું."
24મી મેના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
ક્વાડ કોન્ફરન્સ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 મેના રોજ ટોક્યોમાં યુએસ પ્રમુખ જો બાઈડેન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. આ દરમિયાન બંને નેતાઓ યુક્રેન સંકટ પર પણ ચર્ચા કરશે. નોંધનીય છે કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બાઈડેન એ દિવસે મુલાકાત કરશે જ્યારે યુક્રેન પર રશિયન હુમલાને 4 મહિના પૂરા થશે.