PM Modi meets President Murmu: દિલ્હીના રાજકીય વર્તુળોમાં અત્યારે એક જ ચર્ચા ચાલી રહી છે કે શું કેન્દ્રીય મંત્રીમંડળમાં કોઈ મોટો ફેરબદલ થવા જઈ રહ્યો છે? આ અટકળો ત્યારે વધુ તેજ બની જ્યારે મંગળવારે (23 જૂન) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મહત્વની મુલાકાત કરી. તાજેતરમાં જ કેરળના વરિષ્ઠ ભાજપ નેતા જ્યોર્જ કુરિયને મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે, જેને જોતા પીએમ મોદીની આ અચાનક મુલાકાતને ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ મુલાકાતની કેટલીક તસવીરો પણ શેર કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી." ખાસ વાત એ છે કે, પદ્મ પુરસ્કારો એનાયત કરવા માટે યોજાયેલા સમારોહ પહેલા જ આ બેઠક યોજાઈ હતી. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ વચ્ચેની આ મુલાકાત પછી એવી જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે સરકાર ટૂંક સમયમાં જ મંત્રીમંડળમાં કેટલાક ફેરફારો કરી શકે છે.
કેબિનેટમાં ફેરબદલની આ ચર્ચાઓ પાછળનું મુખ્ય કારણ કેરળના દિગ્ગજ નેતા જ્યોર્જ કુરિયનનું રાજીનામું છે. 65 વર્ષીય કુરિયન લઘુમતી બાબતો તેમજ મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના રાજ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા. તેમનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થતાં તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ ભવનની સત્તાવાર યાદી મુજબ, રાષ્ટ્રપતિ મુર્મુએ તેમનું આ રાજીનામું સ્વીકારી પણ લીધું છે. હવે તેમની ખાલી પડેલી જગ્યાએ કોને તક મળશે તેના પર સૌની નજર મંડાયેલી છે.
જ્યોર્જ કુરિયનની વાત કરીએ તો, તેઓ કેરળના કોટ્ટાયમના વતની છે અને રાજ્યના ખ્રિસ્તી સમુદાયમાં મોટું નામ ધરાવે છે. કેરળમાં ખ્રિસ્તી મતદાતાઓ સુધી પહોંચવાની ભાજપની ખાસ રણનીતિના ભાગરૂપે જ વર્ષ 2024 માં મોદી સરકાર 3.0 માં તેમને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા હતા. જોકે, 2026 ની કેરળ વિધાનસભા ચૂંટણીમાં તેઓ કાંજીરાપલ્લી બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. કુરિયન કેરળ ભાજપના ઉપાધ્યક્ષ, પ્રવક્તા, લઘુમતી મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય લઘુમતી આયોગના સભ્ય પણ રહી ચૂક્યા છે, જેથી અત્યારે તેમનું રાજીનામું રાજકીય ગલિયારાઓમાં ચર્ચાનો વિષય બન્યું છે.
