વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને જીવનના પડકારો માટે તૈયાર રહેવાનો સંદેશ આપતાં કહ્યું કે IITની પરીક્ષામાં અભ્યાસક્રમ નક્કી હોય છે, પરંતુ જીવનની પરીક્ષામાં બધું જ ‘આઉટ ઓફ સિલેબસ’ હોય છે. તેમણે કહ્યું કે જીવનમાં ન તો કોઈ નક્કી અભ્યાસક્રમ હોય છે અને ન તો પ્રશ્નપત્ર. ઘણી વખત કોઈ એ પણ નથી જણાવતું કે વાસ્તવિક પ્રશ્ન શું છે, તેને પણ જાતે ઓળખવો પડે છે.

Continues below advertisement

 

Continues below advertisement

વડાપ્રધાને શનિવારે IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરતી વખતે આ વાત કહી હતી. આ દરમિયાન તેમણે 3,000થી વધુ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. PM મોદીએ IIT દિલ્હીના સોનીપત કેમ્પસમાં AI આધારિત હાઈ-પરફોર્મન્સ સુપરકમ્પ્યુટિંગ સેન્ટર ‘પરમ પ્રજ્ઞા’નું પણ ઉદ્ઘાટન કર્યું.

 

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું, "મિત્રો, આજે તમે બધા આ કાર્યક્રમમાં હાજર છો. પણ તમારા મનના કોઈ ખૂણામાં કંઈક બીજું જ ચાલી રહ્યું હશે. હું બાબા બાગેશ્વર નથી કે કહી શકું પરંતુ  કંઈક તો ચાલી રહ્યું હશે. દરેક વિદ્યાર્થીનું આવતીકાલનું પોતાનું વિઝન હોય છે. ઘણા વિદ્યાર્થીઓ તેમના પહેલા પગારની રાહ જોતા હશે. કેટલાક નવા શહેરમાં નવી શરૂઆતની તૈયારી કરી રહ્યા હશે. ઘણા લોકો તેમના પહેલા સ્ટાર્ટઅપનું સ્વપ્ન જોતા હશે. કેટલાકે આગામી સ્પર્ધાત્મક પરીક્ષા પર પોતાની નજર રાખી હશે. દરેકનો રસ્તો અલગ હોય છે. દરેકનું સ્વપ્ન અલગ હોય છે. આ બધું હોવા છતાં, એક લાગણી છે જે તમારા બધામાં સમાન હશે."

‘કેમ્પસના જીવન અને બહારના જીવનમાં ઘણો તફાવત’

PM મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે, “IITની પરીક્ષામાં સિલેબસ હોય છે, પરંતુ જીવનની પરીક્ષામાં બધું જ આઉટ ઓફ સિલેબસ હોય છે. જીવન કંઈક અલગ રીતે ચાલે છે. ત્યાં ન તો કોઈ નક્કી કોર્સ હોય છે કે ન તો કોઈ પ્રશ્નપત્ર. ઘણી વખત તો કોઈ એ પણ નથી જણાવતું કે વાસ્તવિક પ્રશ્ન શું હતો. તે પ્રશ્ન પણ તમારે જાતે ઓળખવો પડે છે.”

‘તમે માત્ર ડિગ્રી નથી લઈ રહ્યા, દેશ માટે સપનાં લઈને આગળ વધી રહ્યા છો’

વડાપ્રધાને કહ્યું કે આજે વિદ્યાર્થીઓના જીવનની એક નવી સફર શરૂ થઈ રહી છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ માત્ર ડિગ્રી લઈને IIT દિલ્હીમાંથી બહાર નથી નીકળી રહ્યા, પરંતુ દેશ માટે ઘણું બધું કરવાની આશાઓ અને સપનાં લઈને આગળ વધી રહ્યા છે.

તેમણે તમામ વિદ્યાર્થીઓને તેમની નવી સફર માટે શુભેચ્છા પાઠવી અને કહ્યું કે દરેક વિદ્યાર્થીના મનમાં આવનારા સમયની પોતાની અલગ તસવીર હશે. દરેકનો રસ્તો અલગ હશે અને દરેકનું સપનું પણ અલગ હશે. તેમ છતાં આજના દિવસનો એક ખાસ અહેસાસ તમામના મનમાં સમાન હશે.

‘પહેલી સેલરીથી લઈને સ્ટાર્ટઅપ સુધી, દરેકનું સપનું અલગ’

PM મોદીએ વિદ્યાર્થીઓની ભવિષ્યની યોજનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સમારોહમાં બેઠેલા ઘણા વિદ્યાર્થીઓ પોતાની પહેલી સેલરીની રાહ જોઈ રહ્યા હશે. કોઈ નવા શહેરમાં નવી શરૂઆત કરવાની તૈયારી કરી રહ્યો હશે, તો કોઈ પોતાના પ્રથમ સ્ટાર્ટઅપનું સપનું જોઈ રહ્યો હશે.

તેમણે કહ્યું, “દરેકનો રસ્તો અલગ છે. દરેકનું સપનું અલગ છે, પરંતુ આ બધાની વચ્ચે પણ એક એવો અહેસાસ છે, જે આપ સૌના મનમાં એકસરખો હશે.”

IIT દિલ્હીમાં AI સાથે જોડાયેલી નવી પહેલ શરૂ

વડાપ્રધાને IIT દિલ્હીમાં AI સાથે જોડાયેલી નવી પહેલોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “આજે IIT દિલ્હીમાં AI સાથે જોડાયેલી કેટલીક નવી પહેલ પણ શરૂ થઈ છે. હું તેના માટે પણ આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું છું.”

આ પ્રસંગે વડાપ્રધાને IIT દિલ્હીના સોનીપત કેમ્પસમાં AI આધારિત હાઈ-પરફોર્મન્સ સુપરકમ્પ્યુટિંગ સેન્ટર ‘પરમ પ્રજ્ઞા’નું ઉદ્ઘાટન કર્યું.

3,000થી વધુ વિદ્યાર્થીઓને મળી ડિગ્રી

IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં 3,000થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. તેમાં 587 પીએચડી સ્કોલર્સનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રતિષ્ઠિત શૈક્ષણિક સન્માન પણ એનાયત કર્યા.