PM Modi Speech Massive crowd gathers at BJP headquarters : ગુજરાતની ઐતિહાસિક જીતની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે આવેલા ભાજપ મુખ્યાલય પહોંચ્યા હતાં. અહીં મોદી-મોદીના ગગનભેદી નારા વચ્ચે પીએમ મોદીએ મોટી સંખ્યામાં હાજર ભાજપ નેતા અને કાર્યકર્તાઓને સંબોધ્યા હતાં. ભારત માતા કી જયના જયઘોષ સાથે પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ કાર્યકર્તાઓને નમન કર્યા હતાં. પીએમ મોદીએ ગુજરાતની ઐતિહાસિક જીત બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ  યાદ કર્યા હતાં.


પીએમ મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટીની ટીકા કરી હતી તો સાથે જ વિકાસના નારાને ફરી એકવાર મહત્વનો ગણાવ્યો હતો. તેમને ગુજરાતની ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીત બદલ ગુજરાતીઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો. 


દિલ્હી પાર્ટી હેડક્વાર્ટરથી સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ રેકોર્ડ તોડીને પણ રેકોર્ડ બનાવ્યો છે. ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો જનાદેશ ભાજપને આપીને રાજ્યની જનતાએ નવો ઈતિહાસ રચ્યો છે. તેમણે હસતાં હસતાં કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ તો રેકોર્ડમાં પણ રેકોર્ડ બનાવ્યો છે. લોકોએ જાતિ, વર્ગ, સમુદાય અને તમામ પ્રકારના વિભાજનથી ઉપર ઉઠીને ભાજપને મત આપ્યો છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. 


વડાપ્રધાને હળવા લહેજામાં કહ્યું હતું કે, ગુજરાતીઓએ તો કમાલ કરી દીધી. ભૂપેન્દ્રએ તો નરેન્દ્રનો જ રેકોર્ડ તોડી નાખ્યો. તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શાનદાર જીતને પણ યાદ કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલે વિધાનસભાની ચૂંટણીમાં 1 લાખ 91 હજાર મતોથી જીત ભવ્ય જીત હાંસલ કરી છે. તેમણે કાર્યકર્તાઓને સવાલ કરતા કહ્યું હતું કે, એક વિધાનસભાની ચૂંટણીમાં આટલા મતોથી જીત મેળવવી એ ખરેખર મોટી વાત છે. 


આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું હતું કે, ગુજરાતના પરિણામોએ સાબિત કરી દીધું છે કે વિકસિત ભારત માટે સામાન્ય માણસની ઈચ્છા કેટલી પ્રબળ છે. સંદેશ સ્પષ્ટ છે કે જ્યારે દેશ સામે પડકાર છે ત્યારે દેશની જનતાને ભાજપમાં વિશ્વાસ છે. પીએમ મોદીએ ઉત્તર પ્રદેશ અને બિહારમાં યોજાયેલી પેટાચૂંટણી અને તેમાં ભાજપને મળેલી જીતને લઈ કહ્યું હતું કે, બીજેપી પ્રત્યેનો આ લગાવ દેશના અલગ-અલગ રાજ્યોની પેટાચૂંટણીમાં પણ જોવા મળે છે. યુપીના રામપુરમાં ભાજપનો વિજય થયો છે. બિહાર પેટાચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન આવનારા દિવસોનો સ્પષ્ટ સંદેશ આપી રહ્યું છે.


પીએમ મોદીએ કહ્યું કે જ્યાં ભારતીય જનતા પાર્ટી સીધી રીતે જીતી શકી નથી ત્યાં બીજેપીનો વોટ શેર તેના બીજેપી પ્રત્યેના લગાવનો પુરાવો છે. હું ગુજરાત, હિમાચલ અને દિલ્હીના લોકોનો નમ્ર આભાર વ્યક્ત કરું છું. વડાપ્રધાન ઉપરાંત પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતાં.