G20 Summit: બ્રિટનની સત્તા હવે ભારતીય મૂળના 'ઋષિ'ના હાથમાં છે. ઋષિ સુનકના વડાપ્રધાન પદ પર પહોંચ્યા બાદ ભારતમાં ઉજવણીનો માહોલ છે, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ મોટા નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. હવે આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ વડાપ્રધાન મોદી અને ઋષિ સુનકની મુલાકાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ 15-16 નવેમ્બરે ઇન્ડોનેશિયામાં યોજાનારી G20 સમિટ માટે બાલીમાં હશે, જ્યાં તેઓ મળી શકે છે.


બંને નેતાઓ એક મંચ પર હશે


એવું કહેવામાં આવી રહ્યું છે કે જો બધુ બરાબર રહ્યું તો બ્રિટનના નવા વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળનાર ભારતીય મૂળના ઋષિ સુનક આવતા મહિને બાલીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રથમ મુલાકાત કરશે. જો કે આ દરમિયાન મોદી અને સુનકની દ્વિપક્ષીય બેઠક અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના સંમેલન દરમિયાન બંને નેતાઓ સાથે રહેશે અને ઘણા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.


એવું માનવામાં આવે છે કે સુનક અને મોદીની સંભવિત મુલાકાતથી ભારત અને બ્રિટન વચ્ચે ચાલી રહેલી વેપાર સમજૂતીની કવાયત પણ વેગ પકડી શકે છે. અગાઉ આ કરાર માટે દિવાળી-2022નો સમયગાળો રાખવામાં આવ્યો હતો. સૂત્રોનું માનીએ તો પીએમ મોદી આ વેપાર કરાર પર હસ્તાક્ષર કરવા માટે લંડન પણ જઈ શકે છે. આ સંદર્ભે કવાયતનો પ્રારંભિક તબક્કો પણ શરૂ થઈ ગયો છે.


નોંધનિય છે કે, ઋષિ સુનકે ગઈકાલે જ લંડનના બકિંગહામ પેલેસમાં પ્રિન્સ ચાર્લ્સ ત્રીજા સાથે મુલાકાત કરી હતી. બાદમાં સુનકે વડાપ્રધાનના શપથ લીધા હતા. ભારતીય મૂળના ઋષિ સુનક ઈતિહાસ રચીને યુકેના નવા વડાપ્રધાન બન્યા છે. ઋષિ સુનકે પેની મોર્ડોન્ટને પાછળ છોડી દીધા હતા. ઋષિ સુનકને 180 થી વધુ સાંસદોનું સમર્થન મળ્યું હતું, જ્યારે પેની મોર્ડોન્ટ સમર્થનમાં ઘણા પાછળ હતા, ત્યારબાદ તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. 


આ અગાઉ, બ્રિટિશ વડા પ્રધાન પદ માટે ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સને દાવો ન કરતા ભારતીય મૂળના નેતા ઋષિ સુનક કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વ પર કબજો કરવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. પૂર્વ મંત્રી પ્રીતિ પટેલ, જેમ્સ ક્લેવરલી અને નદીમ જાહવીએ પણ ઋષિ સુનકને ટેકો જાહેર કર્યો હતો.