Modi Cabinet Meeting Decisions: નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે બુધવારે (28 સપ્ટેમ્બર) તહેવારોની સિઝનમાં લોકોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મફત રાશન યોજનાને લઈને પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સ કરી અને બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે જાણકારી આપી હતી.






તેમણે કહ્યું હતુ કે નવી દિલ્હી, અમદાવાદ અને છત્રપતિ શિવાજી ટર્મિનસના પુનઃવિકાસને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં લગભગ 10,000 કરોડ રૂપિયાનું રોકાણ સામેલ છે. સ્ટેશનની બંને બાજુએ શહેરનું વિસ્તરણ થશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં (DA) 4 ટકા વધારવાનો પણ નિર્ણય લીધો છે.






અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે દેશભરમાં નવરાત્રી શરૂ થઈ ગઈ છે. તહેવારો દરમિયાન લોકો ખુશ રહેવા જોઈએ, તેથી પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત રાશન યોજનાને વધુ ત્રણ મહિના સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના 122 લાખ મેટ્રિક ટન અનાજનું વિતરણ કરવામાં આવશે. આ યોજનાથી 80 કરોડ લોકોને ફાયદો થશે. તેના પર કુલ 44,762 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.


ઉલ્લેખનીય છે કે માર્ચ 2020 માં મફત રાશન વિતરણ યોજના કોવિડ રાહત યોજના તરીકે શરૂ કરવામાં આવી હતી. આ યોજના 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી હતી. આ યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને પ્રતિ વ્યક્તિ 5 કિલો ઘઉં અથવા ચોખા વિનામૂલ્યે આપવામાં આવે છે. આ મફત રાશન આ લાભાર્થીઓના માસિક સબસિડીવાળા રાશન સિવાયના  છે.


દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ મળી છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી છે. તેનાથી તેમને મળનારા પગારમાં જંગી વધારો થશે.  કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.