નવી દિલ્લી: પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ)માં કામ કરી રહેલા દરેક અધિકારીઓનો મહિનાનો પગારનો ખુલાસો થયો છે. જેમાં જાણકારી મળી છે કે વરિષ્ઠ આઈએએસ અધિકારી ભાસ્કર ખુલબેને સૌથી વધારે એટલે કે 2 લાખ 1 હજાર રૂપિયા મહિને પગાર મળે છે. આ પગાર પ્રધાનમંત્રીના કુલ પગાર 1 લાખ 58 હજાર રૂપિયાથી વધારે છે.
પીએમઓની વેબસાઈટ પર મૂકવામાં આવી માહિતી
પીએમઓની વેબસાઈટ પર મૂકવામાં આવી સૂચનામાં એક જૂન 2016ની સ્થિતિ અનુસાર પ્રધાનમંત્રીના સેક્રેટરી ખુલબેનો મહિનાનો પગાર 2 લાખ 1 હાજર રૂપિયા છે. તો પીએમના પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્ર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ અને પીએમના એડિશનલ પ્રિન્સિપાલ સેક્રેટરી પી કે મિશ્રને દર મહિને 1,62,500 રૂપિયા પગાર મળે છે. સાથે પેંશન પણ મળે છેય આ ત્રણેય ઉચ્ચ અધિકારીઓ નિવૃત્તિ પછી નિમણૂક પામેલા છે.
પીએમઓમાં છ સંયુક્ત સચિવોના પગાર
પીએમઓમાં છ સંયુક્ત સચિવો વતરણ બજાજ, વિનય મોહન ક્વાત્રા, ટી.વી સોમનાથન, એકે શર્મા, અનુરાગ જૈન અને દેબશ્રી મુખર્જીને 1,55,000થી 1,70,000ની વચ્ચે માસિક પગાર મળે છે. જ્યારે પીએમના પર્સનલ સેક્રેટરી રાજીવ ટોપનો અને સંજીવ કુમાર સિંગલાને અનુક્રમે 1,46,000 અને 1,38,000 પગાર મળે છે.
પીએમઓની વેબસાઈટ અનુસાર સૂચના અધિકારી શરદ ચંદરને 1,26,000 રૂપિયા અને જનસંપર્ક અધિકારી જેએમ ઠક્કરને 99,000 રૂપિયા માસિક પગાર મળે છે.
જ્યારે પીએમ મોદીના નિકટ સંજય ભાવસાર સહિત પાંચ અન્ય અધિકારીઓને લગભગ 1 લાખ એક હજાર રૂપિયા પગાર મળે છે. ભાવસાર પીએમઓમાં વિશેષ કાર્ય અધિકારીના રૂપે ફરજ બજાવે છે.
ભાવસાર ઉપરાંત ચાર અન્ય એસઓડીમાં હિરેન જોશી, પ્રતિક દોશી, હેમાંગ જાની અને આશુતોષ નારાયણ સિંહ છે. પીએમઓએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહના સચિવને આપવામાં આવતી સેલેરી પણ સાર્વજનિક કરી છે. વાજપેયીના સચિવ એન.સી. ઝિંગટાને એક લાખ 42 હજાર રૂપિયા અને મનમોહન સિંહના સચિવ મુરલીધર પિલ્લાઈને એક લાખ રૂપિયા અને પેંશન મળે છે.