Amit Shah Attack On Rahul Gandhi: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા ચૂંટણી વચ્ચે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન અમિત શાહે વિપક્ષ પર મુસ્લિમોના મુદ્દાને લોકસભા ચૂંટણીની વચ્ચે લાવવાનો આરોપ લગાવ્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે, વિપક્ષી નેતાઓએ જ ચૂંટણીમાં પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો છે. તેઓ કહી રહ્યા છે કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે, તેથી આપણે પીઓકે વિશે વાત ન કરવી જોઈએ. ગૃહમંત્રીએ કહ્યું હતું કે શું આપણે પરમાણુ બોમ્બના ડરથી PoK જવા દઈએ?


જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે વિપક્ષો આક્ષેપ કરે છે કે એન્ટી ઇન્કમબન્સીના ડરથી ભાજપના વરિષ્ઠ નેતાઓ હિન્દુ-મુસ્લિમ વિશે વાત કરી રહ્યા છે? જેના પર અમિત શાહે કહ્યું કે, અમે કોઇ વાત જ કરી નથી. તેઓ (વિપક્ષ) કહી રહ્યા છે કે અમે મુસ્લિમ પર્સનલ લો પર વાત કરીશું. આ તેમનો એજન્ડા છે. તેમના નેતાઓ કહી રહ્યા છે કે પાકિસ્તાનને સન્માન આપો કારણ તે તેમની પાસે પરમાણુ બોમ્બ છે. ફારુક અબ્દુલ્લા કહી રહ્યા છે કે PoK વિશે વાત ન કરો, કારણ કે તેમની પાસે પરમાણુ બોમ્બ છે. શું 130 કરોડ વસ્તીવાળા મજબૂત દેશે પરમાણુ બોમ્બના ડરથી પોતાનો પ્રદેશ છોડી દેવો જોઈએ?


અમિત શાહે રાહુલ ગાંધીને પૂછ્યા 5 સવાલ


એબીપી સાથેની વાતચીત દરમિયાન શાહે રાહુલ ગાંધીને 5 પ્રશ્નો પણ પૂછ્યા હતા. શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ પહેલા આ 5 સવાલોના જવાબ આપવા જોઈએ.


- રાહુલ જણાવે કે શું તે ટ્રિપલ તલાક પરત લાવવા માંગે છે?


- શું તેઓ સર્જિકલ સ્ટ્રાઈકમાં વિશ્વાસ કરે છે?


- શું તેઓ 370ને હટાવવાનું સમર્થન કરે છે?


- રાહુલ ગાંધીએ મુસ્લિમ પર્સનલ લો અંગે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરવો જોઈએ.


- શું તે જનતાને જણાવશે કે તેઓ રામ મંદિરના દર્શન કરવા કેમ ન ગયા?


રાહુલ ગાંધી રાયબરેલી ચૂંટણી હારી રહ્યા છેઃ અમિત શાહ


દરમિયાન અમિત શાહે રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. શાહે કહ્યું કે, જ્યાં સુધી વાયનાડની ચૂંટણી થઇ ત્યાં સુધી તેમણે રાયબરેલીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ન હતી. આ વાયનાડના લોકો સાથે વિશ્વાસઘાત છે. તેમણે અગાઉથી જણાવી દેવું જોઇતું હતુ કે તેઓ બે જગ્યાએથી ચૂંટણી લડશે. જ્યારે વાયનાડમાં સર્વે સારો ન આવ્યો ત્યારે તેઓ રાયબરેલી આવ્યા. હું વાયનાડ ગયો નથી, પરંતુ હું રાયબરેલી અંગે કહી શકું છું કે તેઓ ચૂંટણી હારી રહ્યા છે.