લખનઉ: ઉત્તરપ્રદેશમાં રોજગારને લઈને અનેક પ્રકારના ફ્રોડના કેસ સામે આવી રહ્યા છે. શુક્રવારે પોલીસે આ પ્રકારના મામલામાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી પોતાને ઉપ મુખ્યમંત્રીનો દિકરા બતાવીને યોગી સરકારમાં મંત્રી અતુલ ગર્ગ પાસે નોકરી માંગી રહ્યો હતો. હાલ તો લખનઉ પોલીસે મુખ્ય આરોપી અને તેના સાથીની ધરપકડ કરી જેલમાં મોકલી દિધા છે.


આ કેસ 30 જુલાઈનો છે. રાજ્યમંત્રી અતુલ ગર્ગ પાસે એક યુવકનો ફોન આવ્યો હતો. યુવક પોતાના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યનો દિકરો બતાવી રહ્યો હતો. આરોપી મંત્રી અતુલ ગર્ગ પાસે નોકરી માંગી રહ્યો હતો. મંત્રી અતુલ ગર્ગને તેના પર શંકા હતી. અતુલ ગર્ગના અંગત સચિવ લલિત દિવાકરે હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં એક મોબાઈલ નંબર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

હઝરતગંજ પોલીસે આપવામાં આવેલા નંબરની તપાસ શરૂ કરી હતી. કોલ ડિટેઈલ તપાસતા ખબર પડી કે આ મોબાઈલ નંબર એટાના રહેવાસી સુશીલ કુમારનો હતો. આ નંબર પરથી સુશીલ કુમારે મંત્રી અતુલ ગર્ગને નોકરી આપવાની માંગ કરી હતી. ત્યારબાદ પોતાનું નામ અને એડ્રેસ લખાવવા માટે વ્હોટ્સએપનો પણ ઉપયોગ કર્યો હતો.

સુશીલ કુમારે જ પોતાનો પરિચય પ્રદેશા ઉપમુખ્યમંત્રીના દિકરા તરીકે આપ્યો હતો. પોલીસે મંત્રીના કરવામાં આવેલા ફોન અને વ્હોટ્સએપ મેસેજના આધારે મુખ્ય આરોપી સુશીલ કુમાર અને તેના સાથી રાજેશ કુમારની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ જપ્ત કર્યો છે. બંને આરોપીઓને હાલ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.