Reactions On Sidhu Moosewala Murder: પંજાબના માનસા જિલ્લામાં રવિવારે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ફાયરિંગમાં અન્ય બે લોકો ઘાયલ થયા છે. પંજાબ સરકારે મૂસેવાલા સહિત 424 લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ આ ઘટના બની હતી. આ ઘટનાને લઈને ભાજપ, કોંગ્રેસ સહિત ઘણી પાર્ટીઓના નિવેદનો સામે આવી રહ્યા છે, જેમાં બધા આ હત્યા માટે પંજાબ સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે.
બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ આમ આદમી પાર્ટી અને પંજાબ સરકારને ઘેરતા કહ્યું કે મૂસેવાલાની સુરક્ષા કેમ હટાવી ? સિરસાએ આરોપ લગાવ્યો હતો કે સરકારની બેદરકારીના કારણે ગાયકની હત્યા થઈ છે. ભગવંત માન સરકારની આ સૌથી મોટી બેદરકારી છે. તેમણે કહ્યું કે તમે આવું પંજાબ બનાવવાની વાત કરી હતી શું ? જ્યાં પોતાના સસ્તા રાજકારણ માટે યુવાન બાળકોને મરાવી નાખશો.
બીજેપી નેતાએ કહ્યું- અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને પાપ કર્યું છે
મનજિંદર સિંહ સિરસાએ વધુમાં કહ્યું કે આજે એક માતાનો પુત્ર જતો રહ્યો છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને આ પાપ કર્યું છે. આ હત્યા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની ભૂલને કારણે થઈ છે. પહેલા તમે મૂસેવાલાની સિક્યોરિટી હટાવી દીધી, પછી તેનું નામ પણ સાર્વજનિક કરી દીધું. આ એક મોટી ભૂલ છે. તેની તપાસ થવી જોઈએ.
ભગવંત માન પર કાર્યવાહી થવી જોઈએ - કોંગ્રેસ
તે જ સમયે, કોંગ્રેસ તરફથી ટ્વિટ કરવામાં આવ્યું હતું કે પંજાબના કોંગ્રેસના ઉમેદવાર અને પ્રતિભાશાળી સંગીતકાર સિદ્ધુ મુસેવાલાની હત્યાથી કોંગ્રેસ પાર્ટી અને સમગ્ર દેશને ઘેરો આઘાત લાગ્યો છે. તેમના પરિવાર, ચાહકો અને મિત્રો પ્રત્યે અમારી ઊંડી સંવેદના. બીજી તરફ કોંગ્રેસ નેતા રાજકુમાર વેરકાએ મુસેવાલાની હત્યા પર કહ્યું છે કે આ મામલે ભગવંત માન પર કાર્યવાહી થવી જોઈએ.
પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે શું કહ્યું?
બીજી તરફ પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે સિદ્ધુ મુસેવાલાની ઘાતકી હત્યા ચોંકાવનારી છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. પંજાબમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. ગુનેગારોને કાયદાનો ડર નથી. પંજાબની AAP સરકાર ખરાબ રીતે નિષ્ફળ ગઈ છે. પંજાબમાં કોઈ સુરક્ષિત નથી.
તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા સુનીલ જાખડેકહ્યું કે સિદ્ધુ મૂસેવાલાની હત્યા ખૂબ જ આઘાતજનક છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સુરક્ષાના મુદ્દાઓ સાથે ચેડા કરવા માટે આમ આદમી પાર્ટીને જવાબદાર ઠેરવવી જોઈએ. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે કહ્યું કે હું યુવા પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા અંગે જાણીને ચોંકી ગયો છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના. જવાબદારોની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ. આ પંજાબમાં કાયદો અને વ્યવસ્થા ખરાબ હોવાનું દર્શાવે છે.
સિદ્ધુ મૂસેવાલાએ આ વર્ષે કોંગ્રેસની ટિકિટ પર માનસાથી વિધાનસભા ચૂંટણી લડી હતી. તેને આમ આદમી પાર્ટીના ડો.વિજય સિંગલાએ હરાવ્યા હતા. સિદ્ધુ મુસેવાલા ભણવા માટે કેનેડા ગયા હતા, ત્યારપછી જ્યારે તેઓ પંજાબ પરત ફર્યા તો તેઓ ગાયક તરીકે પાછા ફર્યા. સિદ્ધુ મુસેવાલા પણ ઘણા વિવાદો સાથે જોડાયેલા હતા.