પટણાઃ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે આજે બિહારની રાજધાની પટનામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને મુખ્યમંત્રી નીતિશ કુમાર અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ પર નિશાન સાધતા કહ્યું કે આ લોકો બિહારમાં પરિવર્તન લાવી શક્યા નથી. પ્રશાંતે કહ્યું હતું કે બિહારમાં લાલુએ 15 વર્ષ અને નીતીશે 17 વર્ષ શાસન કર્યું છે. લાલુ રાજ વિશે કહેવામાં આવ્યું કે તે સામાજિક ન્યાયનો યુગ હતો. નીતિશ રાજમાં કહેવામાં આવ્યું કે તે સુશાસન છે, વિકાસ થયો છે. 30 વર્ષથી આ બંનેનું શાસન છતાં બિહાર પછાત છે.






પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, બિહાર આજે નીતિ આયોગ સહિત દરેક રિપોર્ટમાં દરેક ક્ષેત્રમાં ગરીબ, પછાત છે. બિહારને બદલવું પડશે. નવા વિચાર સાથે આગળ વધવાની જરૂર છે. તેમણે કહ્યું કે હું અત્યારે કોઈ રાજકીય પક્ષ નથી બનાવી રહ્યો. લોકો બિહારને સમજે છે, તેઓ બિહારની સમસ્યાને સમજે છે, તેમને એક થવાની જરૂર છે. જેઓ બિહારની સમસ્યાનો ઉકેલ લાવી શકશે તેમની સાથે કામ કરશે.


જરૂર પડશે તો પાર્ટી કરશે-પ્રશાંત કિશોર


પ્રશાંત કિશોરે વધુમાં કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં હું ઘણા લોકોને મળ્યો છું અને અમે સાથે મળીને કામ કરીશું. સામાન્ય લોકોને મળીને તેમની સમસ્યાઓ સાંભળવાની છે. જો હું પાર્ટી બનાવું તો પણ તે માત્ર મારી પાર્ટી નહીં હોય, જે મારી સાથે જોડાશે તેમની પણ પાર્ટી હશે. એક ઈંટ મારી હશે અને એક ઈંટ તેમની હશે. તેમણે કહ્યું કે મેં 17-18 હજાર લોકોની ઓળખ કરી છે જેઓ જાણે છે કે બિહારની સમસ્યા શું છે અને બિહાર કેવી રીતે બદલાશે. જો આ બધાની જરૂર પડશે તો હું પાર્ટી બનાવીશ.


પ્રશાંત કિશોરે વધુમાં જણાવ્યું કે, 2 વર્ષ પહેલા પટનામાં પ્રેસ કોન્ફ્રરન્સ કરી હતી. તે પછી હું 2 વર્ષ સુધી ગાયબ રહ્યો પરંતુ આ વખતે એવું નહીં થાય. બિહારમાં સક્રિય રહીશ. તેમણે કહ્યું કે નીતીશ સાથે તેમની કોઈ અંગત લડાઇ નથી. તેમણે કહ્યું, થોડા દિવસ પહેલા તેઓને દિલ્હીમાં મળ્યો હતો. સમાચારો વહેતા થયા કે હું તેમને રાષ્ટ્રપતિ બનાવી રહ્યો છું. આ બધા ખોટા સમાચાર છે. નીતિશ પોતાનું કામ કરી રહ્યા છે અને હું બિહાર માટે મારુ કામ કરીશ. 2 ઓક્ટોબરથી પશ્ચિમ ચંપારણના ગાંધી આશ્રમથી પદયાત્રા શરૂ કરશે. કુલ 3 હજાર કિલોમીટરની મુસાફરી કરીશ.  તેજસ્વી યાદવ પર વાત કરતા તેમણે કહ્યું કે, હું બિહારમાં શરૂઆત કરી રહ્યો છું અને હું તેજસ્વીનો સામનો કેવી રીતે કરવો તેના પર ધ્યાન આપીશ નહીં.