Maha Kumbh fire incident: પ્રયાગરાજ મહાકુંભમાં ગુરુવારે (30 જાન્યુઆરી) ફરી એકવાર આગની ઘટના બની હતી. મહાકુંભના સેક્ટર 22માં ભીષણ આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ હતી. આગમાં અનેક તંબુઓ બળીને રાખ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનું શરૂ કર્યું હતું.
આગ મહાકુંભના સેક્ટર 22માં ઝુસી વિસ્તારમાં છટનાંગ ઘાટ પાસે સ્થિત નાગેશ્વર પંડાલમાં લાગી હતી. આગની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની જ્વાળાઓ દૂરથી જોઈ શકાતી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું, જેમાં ઘણા ટેન્ટ બળીને રાખ થઈ ગયા હતા. જોકે, સદનસીબે, કોઈ જાનહાનિ થઈ નથી. પંડાલમાં હાજર તમામ લોકો સમયસર બહાર નીકળી ગયા હતા. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમને માહિતી મળી હતી કે એક તંબુમાં આગ લાગી છે. ઘટનાસ્થળે પહોંચીને, અમને જાણવા મળ્યું કે 15 ટેન્ટને અસર થઈ છે. અમે તાત્કાલિક કાર્યવાહી કરી, આગને કાબૂમાં લીધી." તેમણે વધુમાં જણાવ્યું હતું કે "સ્થળ સુધી પહોંચવાના રસ્તાના અભાવને કારણે કેટલીક સમસ્યાઓ હતી, પરંતુ હવે બધું નિયંત્રણમાં છે. કોઈ જાનહાનિ નથી અને કોઈ તંબુ બળી ગયા નથી."
ઘટના અંગે ફેર પોલીસ ઓફિસર સીઓ પ્રમોદ શર્માએ જણાવ્યું કે, અહીં અનધિકૃત રીતે તંબુઓ ઉભા કરવામાં આવ્યા હતા. SDM એ પણ સમર્થન આપ્યું છે કે તંબુઓ અનધિકૃત રીતે ઉભા કરવામાં આવ્યા છે. આ વિસ્તાર ચમનગંજ ચોકી હેઠળ આવે છે. હવે સ્થાનિક પોલીસ તપાસ કરશે કે ટેન્ટ કેવી રીતે લગાવવામાં આવ્યા.
આ ઘટના ગઈકાલે મૌની અમાવસ્યાના દિવસે થયેલી નાસભાગની દુર્ઘટનાના એક દિવસ બાદ બની છે, જેમાં 30 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ પહેલાં પણ 19 જાન્યુઆરીએ મહાકુંભના મેળા વિસ્તારમાં આગ લાગી હતી. શાસ્ત્રી બ્રિજ પાસે સેક્ટર 19માં ગીતા પ્રેસના કેમ્પમાં આગ લાગી હતી, જેમાં ગીતા પ્રેસની 180 કોટેજ બળીને ખાખ થઈ ગઈ હતી. મહાકુંભ પ્રશાસનના જણાવ્યા અનુસાર, ગીતા પ્રેસના રસોડામાં ચા બનાવતી વખતે ગેસ લીક થવાને કારણે આગ લાગી હતી. આગના કારણે રસોડામાં રાખેલા બે ગેસ સિલિન્ડર પણ ફાટ્યા હતા, જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ પણ વાંચો...
રામલલાના દર્શને ભક્તોનો મહાસાગર: અયોધ્યામાં 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા, જૂના તમામ રેકોર્ડ તૂટ્યા