COVID-19 Precaution Dose: કોરોના રસીકરણને લઈને મોદી સરકારે મોટું પગલું ભર્યું છે. હવે 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના વેક્સિનનો પ્રીકોશન ડોઝ આપવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે જેમની ઉંમર 18 વર્ષ છે તેમણે બીજો ડોઝ લીધાના 9 મહિના પૂરા કર્યા છે, તે રસીકરણ કેંદ્રો પર જઈ રસી લઈ શકે છે.  18થી વધુ વયના યુવાનો માટે કોરોનાનો પ્રિકોશન ડોઝ હવે ખાનગી રસીકરણ કેન્દ્ર પર પણ મળશે, 10 એપ્રિલથીઆ સુવિધા  શરૂ થશે.



આ પહેલા,  આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર સહિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને  બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો હતો. જણાવી દઈએ કે, દેશભરમાં રસીકરણ અભિયાન ગયા વર્ષે 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું  જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ફ્રન્ટલાઈન વર્કરનું રસીકરણ ગયા વર્ષે 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. રાષ્ટ્રવ્યાપી એન્ટી-COVID-19 રસીકરણ અભિયાન હેઠળ  અત્યાર સુધીમાં 185,38 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.


તમને જણાવી દઈએ કે દેશમાં 15 વર્ષથી વધુ ઉંમરના લગભગ 96 ટકા લોકોએ ઓછામાં ઓછી એક રસી લીધી છે, જ્યારે લગભગ 83 ટકા લોકોએ બંને ડોઝ લીધા છે. હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60+ વય જૂથોને પણ 2.4 કરોડથી વધુ બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે. 12 થી 14 વર્ષની વયજૂથના 45% લોકોએ પણ પ્રથમ ડોઝ લીધો છે.


સોમવાર, 14 માર્ચે  કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે 60+ વય જૂથના તમામ લોકો હવે પ્રીકોશન ડોઝ મેળવી શકશે. આરોગ્ય મંત્રાલયે એ પણ જાહેરાત કરી હતી કે 12-14 વર્ષની વય જૂથના બાળકોને 16 માર્ચથી કોરોના વાયરસની રસી મળવાનું શરૂ થશે.


કોરોના રસીનો પ્રીકોશન ડોઝ શું છે?


પ્રીકોશન ડોઝ એ SARS-CoV-2 ચેપ સામે આપવામાં આવતી સમાન રસીનો ત્રીજો ડોઝ છે. કોરોના વાયરસના નવા  વેરિઅન્ટના આગમન સાથે વિશ્વભરમાં ત્રીજા ડોઝની જરૂરિયાત અનુભવાઈ હતી. ભારતે આ વર્ષે 10 જાન્યુઆરીએ ફ્રન્ટલાઈન વર્કર અને વરિષ્ઠ નાગરિકોને  ડોઝ આપવાનું શરૂ કર્યું. બીજા ડોઝ અને ત્રીજા ડોઝ વચ્ચે 9 મહિનાના અંતરાલની ભલામણ કરવામાં આવે છે.