નવી દિલ્હી: ભારતીય સેનાએ લેહ સ્થિત સૈન્ય હોસ્પિટલને લઈને થઈ રહેલી ટીકાને દુર્ભાગ્યપૂર્ણ અને નિરાધાર ગણાવી છે. ગલવાન ઘાટીમાં ચીની જવાનો સાથે થયેલી અથડામણમાં ઘાયલ જવાનોની પીએમ મોદીએ આ હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી.

થલસેનાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ દુર્ભાવનાપૂર્ણ છે કે, આપણા બહાદુર સશસ્ત્ર દળોના ઉપચાર સંબંધિત સુવિધાઓને લઈને આક્ષેપ લગાવવામાં આવી રહ્યાં છે. સશસ્ત્ર દળ પોતાના દળને સર્વશ્રેષ્ઠ ઉપચાર આપે છે.

સેનાએ કહ્યું કે, “કેટલાક લોકોએ લેહ સ્થિત જનરલ હોસ્પિટલના તે ચિકિત્સકીય કેન્દ્રની સ્થિતને લઈને દુર્ભાગ્યપૂર્ણ અને નિરાધાર આરોપ લગાવ્યા છે, જ્યાં ત્રણ જુલાઈના રોજ પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત લીધી હતી.” સેનાએ કહ્યું કે, આ સ્પષ્ટ કરવામાં આવે છે કે, 100 બેડવાળું એ કેન્દ્ર સંકટ સમયે ક્ષમતાના આધારે વિસ્તારનો ભાગ છે અને આ જનરલ હોસ્પિટલ પરિસરનો ભાગ છે. સેનાએ કહ્યું કે, કોવિડ-19ના પ્રોટોકોલ અનુસાર હોસ્પિટલના કેટલાક વોર્ડને આઈસોલેટ કેન્દ્રમાં ફેરવી દેવાયા છે.

સેનાએ કહ્યું કે, ગલવાનથી આવ્યા બાદ ઘાયલ જવાનોને અહીં રાખવામાં આવ્યા છે, જેથી તેમને તે વિસ્તારથી અલગ રાખવામાં આવે, જ્યાં કોવિડ-19ના દર્દીઓની સારવાર ચાલી રહી છે. સેના પ્રમુખ જનરલ નરવણે અને સેનાના કમાન્ડર પણ આ સ્થળે ઘાયલ જવાનોને મળવા ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ શુક્રવારે ( 3 જુલાઈ ) અચાનક લદ્દાખની મુલાકાત લીધી હતી. તે દરમિયાન પીએમ મોદીએ તે ઘાયલ જવાનો સાથે વાતચીત કરી જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.