PM Modi Rally In Ayodhya: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચ્યા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ પીએમ મોદીએ આજે ​​પહેલીવાર અયોધ્યાની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ સૌથી પહેલા રામલલાના દર્શન કર્યા હતા.






આ પછી તેમણે રોડ શોની શરુઆત કરી હતી. પ્રધાનમંત્રી મોદીની  સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર છે. રોડ શો દરમિયાન પીએમ મોદીના એક્સ હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે અયોધ્યાના લોકોનું હૃદય પણ ભગવાન શ્રી રામ જેટલું જ વિશાળ છે. રોડ શોમાં આશિર્વાદ આપવા આવેલી જનતાને અભિનંદન!






અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના રોડ શોને લઈ મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા છે. રવિવારે રામનગરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને અયોધ્યાના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમના રોડ શોને  લઈને સુરક્ષા એજન્સીઓએ અનેક સ્તરે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે.


પીએમના આગમનના ત્રણ દિવસ પહેલા તેમની વિશેષ સુરક્ષા ટુકડી અહીં પહોંચી ગઈ હતી. PMની સુરક્ષા માટે SPGની દેખરેખ હેઠળ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન અહીં લગભગ બે કલાક રોકાણ કરશે. 


પ્રધાનમંત્રીનો રોડ શો શરૂ થઈ ગયો છે. સુગ્રીવ કિલ્લાથી લતા ચોક સુધીના એક કલાકના રોડ શો બાદ તેઓ એરપોર્ટ પરત ફરશે.