રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલના ઘરે રોંગાલી બિહુના અવસર પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ અનેક સંગીતનાં સાધનો પર હાથ અજમાવ્યો હતો. આ કાર્યક્રમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 






આ દરમિયાન પીએમ મોદીએ એક કલાકથી વધુ સમય સુધી આસામના કલાકારો દ્વારા રજૂ કરાયેલ બિહુ નૃત્ય અને લોકનૃત્ય અને અન્ય કાર્યક્રમોની મજા માણી હતી. એટલું જ નહીં, તેમણે કલાકારો અને અન્ય મહેમાનો સાથે પણ વાતચીત કરી. આસામના નવા વર્ષ નિમિત્તે રોંગાલી બિહુ 14મી એપ્રિલથી એક સપ્તાહ સુધી ઉજવવામાં આવે છે.


સર્બાનંદ સોનોવાલે સમારોહમાં હાજરી આપવા બદલ વડા પ્રધાનની પ્રશંસા કરી અને કહ્યું કે તે આસામના લોકો અને તેમની સંસ્કૃતિ પ્રત્યેના તેમના પ્રેમને દર્શાવે છે. તેમણે કહ્યું કે હું બિહુ ઉજવણીમાં વડાપ્રધાનની હાજરી અને તેમના આશીર્વાદ માટે આભારી છું. છેલ્લા આઠ વર્ષમાં, તેમણે આસામ અને પૂર્વોત્તરના સર્વાંગી વિકાસ માટે અભૂતપૂર્વ પહેલ કરી છે. કેન્દ્રીય મંત્રીઓ અનુરાગ સિંહ ઠાકુર, નાગેન્દ્ર સિંહ તોમર, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ કાર્યક્રમમાં  સામેલ થયા હતા.