Farmers Protest : પોલીસની મંજૂરી બાદ દિલ્હીમાં પ્રવેશ્યા ખેડૂતો, બુરાડીના નિરંકારી ગ્રાઉન્ડ પર કરશે પ્રદર્શન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Nov 2020 04:02 PM (IST)
કૃષિ કાયદાઓની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા અને પંજાબથી રવાના થયેલા ખેડૂતોને હવે દિલ્હીમાં પ્રવેશ કરવાની મંજૂરી મળી ગઈ છે.
નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા અને પંજાબથી રવાના થયેલા ખેડૂતોને હવે દિલ્હીમાં પ્રવેશ કરવાની મંજૂરી મળી ગઈ છે. ટિકરી બોર્ડરથી હજારો ખેડૂતો દિલ્હીમાં પ્રવેશી રહ્યા છે. પોલીસે તેમને બુરાડી નિરંકારી ગ્રાઉન્ડમાં શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવાની મંજરી આપી છે. ખેડૂતો છેલ્લા થોડાક દિવસથી દિલ્હી આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા આ દરમિયાન અનેકવાર પોલીસ અને તેમની વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. દિલ્હી પોલીસે ખેડૂતોને બુરાડીના નિરંકારી ગ્રાઉન્ડમાં એકત્ર થવાની મંજૂરી આપી છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, ખેડૂત ત્યાં એકત્ર થઈને પ્રદર્શન કરી શકે છે. સિંધુ બોર્ડર પર દિલ્હી પોલીસે ત્રણ લેયરમાં બેરિકેડિંગ કર્યું હતું. સૌથી આગળ કાંટાળા તાર હતા. બાદમાં ટ્રકોને બેરિકેડની જેમ ઊભી કરવામાં આવી હતી. અંતમાં વોટર કેનન તૈનાત હતા. આટલી વ્યવસ્થા પણ ખેડૂતોને રોકી ન શકી. પંજાબ-હરિયાણા બોર્ડરથી દિલ્હી બોર્ડર સુધી ત્રણ રાજ્યોની પોલીસે આઠ મોટી નાકાબંધી કરી ખેડૂતોને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ખેડૂત દરેક વખતે ટ્રેક્ટરોના સહારે આગળ વધતા ગયા.