બુધવારે (16 જુલાઈ, 2025) સવારે ઓડિશા વિધાનસભાની બહાર ભારે હોબાળો થયો હતો જ્યારે આત્મદાહ કરનાર વિદ્યાર્થીના મૃત્યુ બાદ ઘણા લોકો વિરોધ કરવા માટે એકઠા થયા હતા. ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ પોલીસ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો, જેના જવાબમાં રાજ્ય પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ અને કેનનનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, બાલાસોરની ફકીર મોહન (સ્વાયત્ત) કોલેજમાં જાતીય શોષણના આરોપો બાદ તાજેતરમાં આત્મવિલોપન કરનાર 22 વર્ષીય વિદ્યાર્થીના મૃત્યુ પર આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પ્રદર્શનકારીઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી સંગઠનો, સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થતો હતો. પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે, જાતીય શોષણના આરોપી પ્રોફેસરને કડક સજા આપવામાં આવે અને કોલેજ પ્રશાસનની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવે. સોમવારે મોડી રાત્રે ભુવનેશ્વરમાં વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. પીડિતાએ પોતાની કોલેજના એક સિનિયર પ્રોફેસર સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ સરકાર પર ન્યાયમાં વિલંબ કરવાનો અને પીડિતાને અવગણવાનો આરોપ લગાવ્યો હતો. તેઓએ ગુનેગારો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે અને સુરક્ષા કડક કરવામાં આવી છે.
વિરોધ સ્થળ પરથી સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વિરોધીઓ બેરિકેડ્સ તોડીને આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે પોલીસ તેમને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કરતી જોવા મળી રહી છે. આ પછી, પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડ્યા.
વિરોધીઓની માંગણીઓ શું છે?
મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ પહેલાથી જ આ મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ અને પીડિત પરિવારને 20 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે, પરંતુ વિરોધીઓ કહે છે કે, માત્ર વળતર આપવાથી ન્યાય મળશે નહીં. કોલેજ પ્રશાસન સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.