મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણેમાં ફૂટપાથ પર સૂઈ રહેલા લોકો પર ડમ્પર ફરી વળ્યું હતું. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ડમ્પરે 9 લોકોને કચડી નાખ્યા હતા જેમાંથી 3ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આમાં બે બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે, જે બાળકોના કાકા છે. આ સાથે 6 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાનું કહેવાય છે. આ ઘટના મોડી રાત્રે વાઘોલીના પોલીસ સ્ટેશન સામે બની હતી. આરોપી ડ્રાઈવરને ઝડપી લેવામાં આવ્યો છે.
પુણેના વાઘોલીના કેસનંદ ફાટામાં રાત્રે 12.30 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. ડમ્પર ચાલક દારૂના નશામાં હોવાની પ્રાથમિક માહિતી છે. ઘાયલોને સસૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ફૂટપાથ પર ડમ્પરે લોકોને કચડી નાખ્યા
અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકો મજૂર છે. તે રવિવારે (22 ડિસેમ્બર) રાત્રે કામ માટે અમરાવતીથી આવ્યા હતા. આ ફૂટપાથ પર કુલ 12 લોકો સૂઇ રહ્યા હતા. બાકીના લોકો ફૂટપાથની બાજુના ઝૂંપડામાં સૂતા હતા. ડમ્પર સીધું ફૂટપાથ પર ચડી ગયું અને સૂતેલા લોકોને કચડી નાખ્યા હતા.
આરોપી ડમ્પર ચાલકની ધરપકડ
ચીસો સંભળાતા આસપાસના લોકો પીડિતોને બચાવવા દોડી આવ્યા હતા. આ પછી તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પુણે પોલીસે દારૂના નશામાં ડ્રાઇવરની ધરપકડ કરી છે. તેની સામે મોટર વ્હીકલ્સ એક્ટ (MVA) અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પુણે સિટી પોલીસના DCP ઝોન 4 હિંમત જાધવે આ માહિતી આપી છે.
આ ઘટના વાઘોલીના કેસનંદ ફાટા પોલીસ સ્ટેશનની સામે રાત્રે સાડા બાર વાગ્યે બની હતી. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી મુજબ ડમ્પરનો ચાલક નશામાં હતો. મૃત્યુ પામેલાઓમાં વિશાલ વિનોદ પવાર (22), રિનેશ રિતેશ પવાર (1) અને વૈભવ રિતેશ પવાર (2)નો સમાવેશ થાય છે.
ઇજાગ્રસ્તોમાં સામેલ આ લોકો
- જાનકી દિનેશ પવાર (21)
- રિનિશા વિનોદ પવાર (18)
- રોશન શશાદુ ભોસલે (9)
- નગેશ નિવૃત્તિ પવાર (27)
- દર્શન સંજય વૈરાલ (18)
- આલીશા વિનોદ પવાર (47)
તાજેતરમાં બે યુવકોના મોત થયા હતા
આ જ મહિનામાં મહારાષ્ટ્રના પુણેમાં એક માર્ગ અકસ્માતમાં બે યુવકોના મોત થયા હતા, જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના પુણેના ઈન્દાપુરની છે, જ્યાં બારામતીથી ભિગવાન જઈ રહેલી કારને અકસ્માત નડ્યો, જેમાં 4 લોકો મુસાફરી કરી રહ્યા હતા. રિપોર્ટ અનુસાર ડ્રાઈવરે કાર ચલાવતી વખતે કાર પરથી કાબૂ ગુમાવી દીધો હતો.