પણજી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ગોવામાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણી પાર્ટી માટે મોટો પડકાર છે. અને આ ચૂંટણી બીજેપી અને આપ વિરુદ્ધ યુદ્ધ છેડવા જેવી બાબત છે.
દિગ્વિજય સિંહે ગોવાના પણજીમાં પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, “આપણે કાર્યકર્તાઓને ઉત્સાહિત કરવા પડશે. આપણે તેમને પ્રોત્સાહિત કરવા પડશે, આપણે લડવું પડશે. હતોત્સાહિત પાર્ટી ચૂંટણી નહીં લડી શકે. કોઈ હતોત્સાહિત સેના યુદ્ધ ના લડી શકે. અને આ અમારા માટે યુદ્ધ છે. ગોવા, પંજાબ અને ઉત્તર પ્રદેશની ચૂંટણી કોંગ્રેસ માટે મોટો પડકાર છે તથા અમે એકજૂટ થઈને બીજેપી અને આપ સામે લડવું પડશે.”
આમ આદમી પાર્ટી (આપ) પર બીજેપીને સહયોગ આપવા માટે ચૂંટણી લડવાનો આરોપ લગાવતા સિંહે કહ્યું, “નિતિન ગડકરીનું માનવું છે કે આપ કોંગ્રેસના વોટ ખાઈ જશે. અમે શરૂઆતથી આ વાત કહેતા આવ્યા છીએ. જો આ દેશમાં કોઈનું ગઠબંધન છે તો તે બીજેપી અને આપની વચ્ચે છે.”
તેમને વધુમાં કહ્યું, “આપ અને બીજેપી એક સિક્કાની બે બાજુ છે, અને સાથે એક-બીજાને મદદ કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ બીજેપી અને આરએસએસના થિંકટેંક વિવેકાનંદ ઈંટરનેશનલ ફાઉંડેશનનું નિર્માણ છે અને ત માત્ર કોંગ્રેસને નિશાન બનાવી રહ્યા છે.