Rath Yatra: ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન એક ભક્તનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. રથ ખેંચતી વખતે ભક્તે જીવ ગુમાવ્યો હતો. મૃતકની ઓળખ બલાંગિર જિલ્લાના લલિત બગરતી તરીકે થઈ છે. સીએમ મોહન ચરણ માઝીએ લલિત બગરતીના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને ઘાયલ શ્રદ્ધાળુઓ માટે વધુ સારી તબીબી સંભાળ સુનિશ્ચિત કરવાના પણ નિર્દેશ આપ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ભગવાન બલભદ્રના રથને ખેંચતી વખતે ભાગદોડ જેવી સ્થિતિમાં એક પોલીસકર્મી સહિત કેટલાક લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
વાસ્તવમાં ઓડિશામાં પુરી સ્થિત 12મી સદીના જગન્નાથ મંદિરથી રવિવારે (7 જૂલાઈ) બપોરે હજારો લોકો વિશાળ રથ ખેંચીને લગભગ 2.5 કિલોમીટર દૂર ગુંડીચા મંદિર તરફ આગળ વધ્યા હતા. થોડા મીટર આગળ વધ્યા પછી રથ રોકાઇ ગયો હતો અને સોમવારે સવારે ફરી શરૂ થશે.
રથયાત્રા માટે 10 લાખ ભક્તો ઉમટ્યા હતા
ભગવાન બલભદ્રના અંદાજે 45 ફૂટ ઊંચા લાકડાના રથને હજારો લોકોએ ખેંચ્યો હતો. આ પછી દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથનો રથ પર ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો. સમગ્ર વાતાવરણ 'જય જગન્નાથ' અને 'હરિબોલ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને આ શુભ અવસર પર ભક્તો ભગવાનના દર્શન કરવા મથી રહ્યા હતા, રથયાત્રાના પ્રારંભ પૂર્વે વિવિધ કલાકારોના જૂથોએ 'કીર્તન' રજૂ કર્યા હતા
આ શહેરમાં વાર્ષિક રથ ઉત્સવ માટે આશરે 10 લાખ ભક્તો એકઠા થયા હોવાનો અંદાજ છે. જ્યારે મોટાભાગના ભક્તો ઓડિશા અને પડોશી રાજ્યોના હતા, ત્યારે ઘણા વિદેશીઓએ પણ રથયાત્રામાં ભાગ લીધો હતો, જે વૈશ્વિક સ્તરે સૌથી મોટી ધાર્મિક આયોજનોમાંથી એક માનવામાં આવે છે.