રાયબરેલીઃ યોગી સરકારની પોલીસ દરેક મોરચે નિષ્ફળ જતી દેખાઇ રહી છે. રાયબરેલીમાં બે યુવાનોને ગામલોકોએ તાલિબાની સજા આપી છે. પહેલા બન્ને યુવાનોને ગામલોકો ગામમાંથી ઉઠાવી લાવ્યા અને પછી ઝાડ સાથે બાંધીને બેરહેમીથી ફટકાર્યા હતા. આ ઘટના સોશ્યલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઇ રહી છે. ઘટના રાયબરેલીના નસીરાબાદ વિસ્તારની છે.


શું છે આખી ઘટના....
ચોરીના આરોપમાં નસીરાબાદ વિસ્તારના જમાલપુર હુરૈયા નિવાસી શિવરાજની સાથે લગભગ એક ડઝન લોકોએ અર્જૂન તથા ધર્મેન્દ્ર નિવાસી બિલ્લાવા વિસ્તારને ગામમાંથી ઉઠાવી લાવ્યા અને પછી ઝાડ સાથે બાંધીને બેરહેમીથી ધુલાઇ કરી હતી. ગામલોકોએ આ બન્ને યુવકો પર મોટરસાયકલ ચોરીનો આરોપ લગાવ્યો હતો. લોકો બન્નેને લાકડી ડંડાથી જબરદસ્ત રીતે મારમાર્યો હતો, એટલે કે માત્ર ચોરીના શકમાં પોલીસને પણ ના ગાઠીને આ ટોળાએ બન્નેને તાલિબાની સજા આપી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.



ઘટના બાદ જાગેલી પોલીસે અફડાતફડીમાં આવીને બે લોકોને ઝડપી પાડ્યા હતા, જોકે, આખી ઘટના અંગે કોઇ રિએક્શન આપ્યુ ન હતુ. ઉલ્લેખનીય છે કે, ઘટનાના વીડિયોમાં અનેક લોકોના ચહેરા દેખાઇ રહ્યાં હોવા છતાં પોલીસે માત્ર બે જ લોકોને પકડતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.