Rahul Gandhi Disqualified: લોકસભા સચિવાલયે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરી દીધી છે. આ નિર્ણય બાદ રાહુલ ગાંધીએ પહેલીવાર ટ્વીટ કર્યું હતું. જાહેર છે કે, ગુરુવારે સુરત કોર્ટે રાહુલ ગાંધીને 'મોદી સરનેમ' અંગે આપેલા નિવેદન પર 2019માં દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિ કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી.



જો કે, કોર્ટે જામીન મંજૂર કર્યા અને તેની સજાના અમલ પર 30 દિવસ માટે રોક લગાવી દીધી, જેથી કોંગ્રેસના નેતાઓ ચુકાદાને પડકારી શકે. દરમિયાન, લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરતું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, તેમનો અયોગ્યતાનો આદેશ 23 માર્ચથી લાગુ થશે. કોંગ્રેસે આ નિર્ણય પર તીખી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે કાયદાકીય અને રાજકીય લડાઈ ચાલુ રહેશે. આ સાથે પાર્ટીએ આંદોલનની ચેતવણી આપી છે.

આ મામલે રાહુલ ગાંધીએ આ મામલે પહેલીવાર જ ટ્વિટ કર્યું હતું. રાહુલ ગાંધીને કરેલા ટ્વિટમાં કહ્યું હતું કે, હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. આ માટે હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું.

અગાઉ સુરત કોર્ટના ગુરુવારના નિર્ણય પર રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિવેદનને ટાંકીને તેમણે ટ્વિટ કર્યું હતું કે, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારા ભગવાન છે, અહિંસા એ મેળવવાનું સાધન છે.

ભાજપે શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ધર્મેન્દ્ર પ્રધાને કોંગ્રેસના આક્ષેપો વચ્ચે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીને ગેરલાયકાત ઠેરવ્યા તે કાયદા મુજબ જ હતું. કાયદામાં દર્શાવવામાં આવ્યું છે કે, સજા સંભળાવવામાં આવે ત્યારથી સભ્યપદ રદ કરવામાં આવે છે. શું કોંગ્રેસ રાહુલની સદસ્યતા અંગે ગંભીર હતી? કાર્યવાહી કરવામાં આવી તેના ગણતરીના કલાકોમાં કોંગ્રેસે પવન ખેરાના કેસમાં કોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ રાહુલ ગાંધીના કેસમાં તેમ કરવામાં આવ્યું નથી.





Rahul Gandhi Disqualification: રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ, લોકસભા સચિવાલયે નોટિફિકેશન બહાર પાડ્યું

રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે. રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયે નોટિફિકેશન બહાર પાડ્યું છે. લોકસભા સચિવાલય દ્વારા આ સંદર્ભમાં સાત લાઇનની સૂચના જારી કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે કેરળના વાયનાડના લોકસભાના સભ્ય રાહુલ ગાંધીને સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ ગેરલાયકાત તેના દોષિત ઠેરવવાના દિવસથી એટલે કે 23 માર્ચ, 2023થી લાગુ થશે. આ નિર્ણય બંધારણની કલમ 102 (1) (e) અને લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 હેઠળ લેવામાં આવ્યો છે.

લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહના નામે આ સૂચના જારી કરવામાં આવી છે. રાહુલ ગાંધી, રાષ્ટ્રપતિ સચિવાલય, વડાપ્રધાન સચિવાલય, રાજ્યસભા સચિવાલય, ચૂંટણી પંચ, કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો, મુખ્ય ચૂંટણી અધિકારી, કેરળ, લાયઝન ઓફિસર, ડાયરેક્ટોરેટ ઓફ એસ્ટેટ, સંસદ ભવનની એનેક્સી, NDMC સચિવ, ટેલિકોમને એક-એક નકલ તથા સંપર્ક અધિકારી અને લોકસભા સચિવાલયના તમામ અધિકારીઓ અને શાખાઓને આ અંગે જાણ કરી દેવામાં આવી છે.