India Strikes in Pakistan: પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 6-7 મેની રાત્રે POK પર હુમલો કર્યો હતો. દરમિયાન 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, વિપક્ષ નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સહિતના નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી.
પહલગામ હુમલાનો બદલો લેતા ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું હતું કે "અમને આપણા સશસ્ત્ર દળો પર ગર્વ છે. જય હિંદ."
પાકિસ્તાન અને POKમાં ઓપરેશન સિંદૂર અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે 'X' પર લખ્યું હતું કે, "દુનિયાએ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરેન્સ અપનાવવું જોઈએ."
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે હું પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર આપણી સેના તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઇકનુ સ્વાગત કરું છું. પાકિસ્તાની ડીપ સ્ટેટને કડક પાઠ ભણાવવો જોઈએ જેથી બીજી પહલગામ ઘટના ફરી ક્યારેય ન બને. પાકિસ્તાનના આતંકવાદી માળખાને સંપૂર્ણપણે નાશ કરવો જ જોઇએ. જય હિન્દ!
કેજરીવાલે કહ્યું હતું કે અમને ભારતીય સેના અને અમારા બહાદુર સૈનિકો પર ગર્વ છે. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આતંકવાદ સામેની આ લડાઈમાં 140 કરોડ ભારતીયો ભારતીય સેનાની સાથે ઉભા છે. ભારતીય સેનાની હિંમત એ દેશના દરેક નાગરિકનો વિશ્વાસ છે. આપણે બધા સાથે છીએ. આપણે આતંકવાદ સામે એક છીએ. જય હિંદ, જય ભારત
કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ ઓપરેશન સિંદૂર પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, "પાકિસ્તાન અને પીઓકેમાંથી ઉદ્ભવતા તમામ પ્રકારના આતંકવાદ સામે ભારતની રાષ્ટ્રીય નીતિ મજબૂત છે. અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે જેમણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે. અમે તેમના દૃઢ નિશ્ચય અને હિંમતની પ્રશંસા કરીએ છીએ. પહલગામ આતંકવાદી હુમલાના દિવસથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સરહદ પારના આતંકવાદ સામે કોઈપણ નિર્ણાયક કાર્યવાહી કરવામાં સશસ્ત્ર દળો અને સરકાર સાથે ઉભી રહી છે. રાષ્ટ્રીય એકતા એ સમયની જરૂરિયાત છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આપણા સશસ્ત્ર દળો સાથે ઉભી છે. ભૂતકાળમાં આપણા નેતાઓએ રસ્તો બતાવ્યો છે અને આપણા માટે રાષ્ટ્રીય હિત સર્વોપરી છે."