નવી દિલ્હી: કાશ્મીરમાં આતંકીઓ સાથે ધરપકડ કરેલા ડીએસપી દેવિન્દર સિંહને લઈને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને વડાપ્રધાન, ગૃહમંત્રી અને એનએસએને સવાલ કર્યો છે કે, તેઓ દેવિન્દર સિંહ મામલે કેમ મૌન છે. આ સાથે જ તેમણે કહ્યું કે આ મામલે 6 મહિનાની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી થઈ જોઈએ. ઉલ્લેખનીય છે કે દેવિન્દર સિંહની 12 જાન્યુઆરીના રોજ બે આતંકીઓ સાથે પોલીસે ધરપકડ કરી હતી.

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, “ડીએસપી દેવિન્દર સિંહે પોતાના ઘરમાં ત્રણ આતંકીઓને શરણ આપી હતી અને તેને દિલ્હી લઈ જઈ રહ્યો હતો ત્યારે ઝડપાઈ ગયો જેના હાથ ભારતીય નાગરિકતાના ખૂનથી રંગાયેલા છે. આ મામલાની તપાસ છ મહિનામાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવામાં આવે. જો તે દોષિત ઠેરવાશે તો તેની વિરુદ્ધ દેશદ્રોહ માટે કડકમાં કડક સજા આપવામાં આવે.”


રાહુલ ગાંધીએ એક પોસ્ટર પણ શેર કર્યું છે, જેમાં ચાર સવાલ પૂછ્યા છે. દેવિન્દર સિંહ મામલે પીએમ, ગૃહમંત્રી અને એનએએસ મૌન કેમ છે ? , બીજો સવાલ, પુલવામામાં હુમલામાં દેવિન્દ્રરસિંહની શું ભૂમિકા હતી?, તેણે કેટલા આતંકીઓની મદદ કરી ? અને તેને કોણ અને કેમ બચાવી રહ્યું હતું ?