નવી દિલ્હી: પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલગામમાં એક ભયાનક હુમલો થયો. પાકિસ્તાની આતંકવાદીઓએ નિર્દોષ ભારતીયોની નિર્દયતાથી હત્યા કરી. આ સમય દરમિયાન અમે સરકાર સાથે ઉભા રહ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે 29 વાર દાવો કર્યો છે કે તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન સિઝફાયર કરાવ્યું. જો પ્રધાનમંત્રી મોદી પાસે ઇન્દિરા ગાંધીની હિંમતની જેમ 50 ટકા પણ હોય તો તેમણે કહેવું જોઈએ કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે.
લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે આ ગૃહમાં બેસેલા તમામે પાકિસ્તાનની નિંદા કરી. ઓપરેશન સિંદૂર શરૂ થાય તે પહેલાંથી જ વિપક્ષે સરકાર સાથે ઉભા રહેવાનું નક્કી કર્યું. અમે સાથે ઉભા રહ્યા. પહેલગામ પછી હું કરનાલમાં નરવાલજીના ઘરે ગયો. તેમનો પુત્ર નૌકાદળમાં હતો, તેઓ CRPFમાં હતા. મને એવું લાગ્યું કે હું મારા પરિવાર સાથે બેઠો છું. તેમણે તેમના દિકરાનો આલ્બમ બતાવ્યો. તેમણે મને તેના વિશે કહ્યું. તેમણે મને તેમના પરિવાર વિશે જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે દેશની સેનાને સંપૂર્ણ પ્રયોગ માટે રાજકીય ઇચ્છાશક્તિ અને ઓપરેશનની ખુલ્લી છૂટ આપવાની જરુર હોય છે.
'આપણા સૈનિકો ટાઈગર છે, તેમને સ્વતંત્રતા આપવી પડશે'
લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે સિંહને ખુલ્લા છોડી દેવા પડશે, તેને બાંધી શકાતા નથી. તેમણે કહ્યું કે, સેનાને કામગીરી માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપવી પડશે. આપણા સૈનિકો ટાઈગર છે, તેમને સ્વતંત્રતા આપવી પડશે.
તેમણે 'ન્યુ નોર્મલ' શબ્દ વિશે વધુમાં કહ્યું કે વિદેશ સંરક્ષણ પ્રધાન સંસદમાં નથી, તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે બધા દેશોએ આતંકવાદ વિરુદ્ધ વાત કરી છે, જે સાચું છે, પરંતુ વિદેશ પ્રધાને એ નથી જણાવ્યું કે પહેલગામ હુમલા પછી એક પણ દેશે પાકિસ્તાનની નિંદા કરી છે કે નહીં.
'1971માં એક લાખ પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કર્યું'
રાહુલ ગાંધીએ કહ્યું, "લશ્કરી કાર્યવાહી માટે મજબૂત ઇચ્છાશક્તિ હોવી જોઈએ. 1971માં ભારત પાસે મજબૂત ઇચ્છાશક્તિ હતી. ઇન્દિરા ગાંધીએ જનરલ માણેક શોને છૂટ આપી હતી. તત્કાલીન જનરલ સેમ માણેક શોએ કહ્યું હતું કે હું હમણાં હુમલો કરી શકતો નથી, પછી પીએમએ કહ્યું હતું કે તમે ઇચ્છો તેટલો સમય લો. કામગીરીની સ્વતંત્રતા હોવી જોઈએ. એક લાખથી વધુ પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કર્યું, એક નવો દેશ બન્યો."