નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મના  એક્સ  પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે બિહાર ચૂંટણી શરૂઆતથી જ નિષ્પક્ષ નહોતી. રાહુલ ગાંધીએ લખ્યું,  "હું બિહારના કરોડો મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, જેમણે મહાગઠબંધન પર પોતાનો વિશ્વાસ રાખ્યો. બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું છે. અમે આ ચૂંટણીમાં જીત મેળવી શક્યા નહીં, જે  શરૂઆતથી જ  નિષ્પક્ષ નહોતી.  આ લડાઈ બંધારણ અને લોકશાહીના રક્ષણ માટેની છે. કોંગ્રેસ પાર્ટી અને ઈન્ડિયા ગઠબંધન આ પરિણામની ઊંડાણપૂર્વક સમીક્ષા કરશે અને લોકશાહીને સુરક્ષિત રાખવાના તેમના પ્રયાસોને વધુ અસરકારક બનાવશે."

Continues below advertisement

મલ્લિકાર્જુન ખડગેએ લખ્યું, અમે ચૂંટણી પરિણામોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું

રાહુલ ગાંધી પહેલાં, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ લખ્યું, "અમે બિહારના લોકોના નિર્ણયનું સન્માન કરતા, એવી તાકતો સામે પોતાની લડાઈ ચાલુ રાખીશું જે બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરી લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે. "

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આગળ લખ્યું, "હું દરેક કોંગ્રેસ કાર્યકરને કહેવા માંગુ છું કે તમારે નિરાશ થવાની જરૂર નથી." તમે અમારી આન-બાન-શાન છો. તમારી મહેનત અમારી તાકાત છે. અમે જનતાને જાગૃત કરવામાં કોઈ કસર નહીં છોડીએ.  અમે લોકો વચ્ચે રહીને બંધારણ અને લોકશાહીનું રક્ષણ કરવા માટેનો અમારો સંઘર્ષ ચાલુ રાખીશું. આ લડાઈ લાંબી છે - અને અમે તેને સંપૂર્ણ સમર્પણ, હિંમત અને સત્યતાથી લડીશું.

અગાઉ, કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ બિહાર ચૂંટણીમાં વોટ ચોરીનો ઉલ્લેખ કર્યો હતો. જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, "બિહાર ચૂંટણીના પરિણામો વડા પ્રધાન, ગૃહમંત્રી અને ચૂંટણી પંચ દ્વારા રચવામાં આવેલી વોટ  ચોરીને મોટાપાયે દર્શાવે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બંધારણના રક્ષણ અને લોકશાહીને બચાવવા માટેનું અભિયાન વધુ જોશથી ચાલુ રાખવાના તેના સંકલ્પને પુનરાવર્તિત કરે છે."