Rahul Gandhi Defamation Case: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં સોમવારે જામીન મળ્યા હતા. સુરત કોર્ટમાં તેની અપીલ પર આગામી સુનાવણી 13 એપ્રિલે થશે. જામીન મળ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે આ લોકશાહી બચાવવાની લડાઈ છે, 'મિત્રકાળ' સામે. આ સંઘર્ષમાં સત્ય એ મારું શસ્ત્ર છે અને સત્ય એ મારો આસરો છે.
રાહુલ ગાંધીને સુરત કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વિટ કર્યું હતું. તેણે લખ્યું છે કે બહાદુર માણસો વિચલિત થતા નથી, એક ક્ષણ માટે પણ ધીરજ ગુમાવતા નથી, અવરોધોને સ્વીકારે છે, કાંટામાંથી રસ્તો કાઢે છે.
સુરતની સેશન્સ કોર્ટ માનહાનિ કેસમાં બે વર્ષની સજા ફટકાર્યાના 11 દિવસ બાદ રાહુલ ગાંધી ફરી સુરત આવ્યા. રાહુલ ગાંધી અને તેની લીગલ ટીમે સુરત કોર્ટમાં અપીલ કરી. રાહુલ ગાંધીને સજા અને દોષ પર સ્ટેની અરજી પર 13 એપ્રિલના રોજ સુનાવણી થશે, જ્યારે નીચલી અદાલતના નિર્ણય સામેની અપીલ પર 3 મેના રોજ સુનાવણી થશે. રાહુલ ગાંધીની સાથે બહેન પ્રિયંકા ગાંધી પણ આવ્યા હતા. સુરતમાં રાહુલ ગાંધીના આગમનને લઈ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સજા બાદ કોર્ટે રાહુલ ગાંધી 1 મહિના માટે જામીન આપ્યા હતા. આ એક મહિનાના સમયગાળા દરમિયાન સજાની રોક માટે અપીલ કરવાની હતી.
વકીલના કહેવા મુજબ અગામી સુનાવણી એટલે કે 13 એપ્રીલના રોજ રાહુલ ગાંધીએ ફરી કોર્ટમાં હાજરી આપવી જરૂરી નથી. આ કેસના સામેના પક્ષકારો ફરિયાદી તથા સરકારી વકીલને નોટીસ ઈસ્યુ કરી વધુ સુનાવણી તા.3 મે સુધી મોકુફ રાખી છે. આજે રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ,રાજસ્થાન અશોક ગહેલોત તથા હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સુક્કુ આજે સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા. તદુપરાંત પ્રિયંકા ગાંધી સહિત રાહુલ ગાંધી પોતાની લીગલ ટીમને લઈને આજે બપોરે 3 કલાકે સુરત કોર્ટમાં માનહાનિના કેસમાં નીચલી કોર્ટના સજાના હુકમ સામે આપેલ દાખલ કરી હતી. જેની સુનાવણી કોર્ટે આગામી 3જી મે સુધી મુલતવી રાખી છે. કોર્ટે રાહુલ ગાંધીને સજાના હુકમ પર સ્ટે મુદ્દે નવેસરથી શરતી જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે. આજે પણ કોર્ટ સંકુલની બહાર કોગ્રેસના અગ્રણી સ્થાનિક,પ્રાદેશિક અને રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.