Rahul Gandhi Disqualified Live: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું વાયનાડથી સંસદનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. જેને લઈને રાજકીય ગલિયારામાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ ભાજપ પોતાનો બચાવ કરતી જોવા મળી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ સતત આક્રમક પ્રહારો કરી રહી છે. આ ક્રમમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાઈ રાહુલ ગાંધીનો બચાવ કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જ્યારે લૂંટ પર સવાલ ઉઠાવવામાં આવ્યો તો તેઓ ગુસ્સે થઈ ગયા.








પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમારા સાથીદારોએ શહીદ વડાપ્રધાનના પુત્રને દેશદ્રોહી, મીર જાફર કહ્યાં. તમારા એક મુખ્યમંત્રીએ તો એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે, રાહુલ ગાંધીના પિતા કોણ છે? નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર સવાલ ઉઠાવ્યો… શું તમારા મિત્ર ગૌતમ અદાણી દેશની સંસદ અને ભારતના મહાન લોકો કરતા મોટા થઈ ગયા છે કે જ્યારે તેમના દ્વારા ચલાવાતી લૂંટ અંગે સવાલ કરવામાં આવ્યો તો તમે હચમચી ગયા?

'તમને સંસદમાંથી ગેરલાયક ઠેરવ્યા નથી'

પીએમ મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, કાશ્મીરી પંડિતોના રિવાજને અનુસરીને પુત્ર તેના પિતાના મૃત્યુ બાદ પાઘડી પહેરે છે, તેના પરિવારની પરંપરાને જાળવી રાખે છે. તમે ભરી સંસદમાં આખા પરિવાર અને કાશ્મીરી પંડિત સમુદાયનું અપમાન કરીને પૂછ્યું કે, તેઓ નેહરુનું નામ કેમ નથી રાખતા. પરંતુ તમને કોઈ જજે બે વર્ષની સજા નથી સંભળાવી. તમને સંસદમાંથી ગેરલાયક નથી ઠેરવવામાં આવ્યા. રાહુલજીએ એક સાચા દેશભક્તની જેમ અદાણીની લૂંટ પર સવાલો ઉઠાવ્યા તો હચમચી થયા.

'ગાંધી પરિવારે જનતાનો અવાજ ઉઠાવ્યો છે'

કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ આગળ ઉમેર્યું હતું કે, તમે મારા પરિવારને પરિવારવાદી કહો છો તો જાણી લો, આ પરિવારે ભારતના લોકતંત્રને પોતાના લોહીથી સિંચ્યું છે. જેને તમે ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. આ પરિવારે ભારતના લોકોનો અવાજ ઉઠાવ્યો છે અને પેઢીઓથી સત્ય માટે લડ્યા છે. અમારી રગોમાં જે લોહી દોડે છે તેની એક વિશેષતા છે... તમારા જેવા કાયર, સત્તાલોભી સરમુખત્યાર સામે ક્યારેય ઝૂક્યા નથી અને ઝૂકશે પણ નહીં. તમે ભલે ગમે તે કરી લો.

Rahul Gandhi : સંસદનું પદ જતા હવે રાહુલ ગાંધી પાસે શું છે વિકલ્પ? 2024માં શું થશે?

વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. આજે લોકસભા સચિવાલયે એક નોટિફિકેશન બહાર પાડીને આ માહિતી આપી હતી. સચિવાલયે જાહેરાત કરી હતી કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને 2019માં માનહાનિના કેસમાં ગુજરાતની સુરત કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતાં અને સજા ફટકારવામાં આવ્યા બાદ હવે તેઓ સંસદના સભ્ય નહીં રહે.

નોટિફિકેશન જાહેર થયા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે, હવે રાહુલ ગાંધીનું આગળનું પગલું શું હશે? રાહુલ ગાંધી આ મામલામાંથી બહાર આવી શકે તેવા કયા રસ્તા છે? કેટલાક કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે, દોષિત ઠર્યા બાદ કોંગ્રેસના સાંસદ આપોઆપ જ ગેરલાયક ઠર્યા હતા. જ્યારે કેટલાક નિષ્ણાતોનું કહવું છે કે, જો તેઓ સજાને પલટવામાં સફળ થાશે તો આ કાર્યવાહીને અટકાવી શકાય છે. તો ચાલો જાણીએ શું શું વિકલ્પ રહેશે?

કપિલ સિબ્બલનું શું કહેવું છે?

NDTV અનુસાર, આ સમગ્ર મામલાને લઈને વરિષ્ઠ વકીલ અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલનું કહેવું છે કે, જો તે (કોર્ટ) માત્ર સજાને સસ્પેન્ડ કરે તો તે પૂરતું નથી. સસ્પેન્શન અથવા દોષિત ઠેરવવા પર સ્ટે હોવો જોઈએ. તેઓ (રાહુલ ગાંધી) સંસદના સભ્ય તરીકે ત્યારે જ યથાવત જ રહી શકે છે જ્યારે તેમના કન્વિક્શન પર સ્ટે આપવામાં આવે. જો હાઈકોર્ટ આ નિર્ણયને રદ નહીં કરે તો રાહુલ ગાંધીને આગામી 8 વર્ષ સુધી ચૂંટણી લડવાની પરવાનગી નહીં મળે.