Rahul Gandhi News: રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' હાલમાં જમ્મુ-કાશ્મીરમાં છે.  આ યાત્રામાં સમય સમયે વિવાદ પણ સામે આવતા રહે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે ગઈ કાલે જ વિવાદાસ્પદ નિવેદન કરતા સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈકને લઈને સેના પાસે પુરાવા માંગ્યા હતા. જેને લઈને પાર્ટી ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. હવે આ મામલે હવે ખુદ રાહુલ ગાંધીએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું. 


દિગ્વિજય સિંહને લઈને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દિગ્વિજય સિંહે જે કહ્યું છે તેનાથી હું બિલકુલ સહમત નથી, તે તેમનું અંગત નિવેદન છે. અમને અમારી સેનામાં પૂરો વિશ્વાસ છે. સેના જે કંઈ કરે છે તેનો તેને પુરાવા આપવાની જરૂર નથી. તેમનું નિવેદન અંગત છે. તે અમારો મત નથી.


રાજ્યમાં ફરી એકવાર કલમ 370 લાગુ કરવાને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કલમ 370 પર અમારું વલણ એકદમ સ્પષ્ટ છે. તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં રાજ્યનો દરજ્જો છે. અમને લાગે છે કે તેને શક્ય તેટલી વહેલી તકે રાજ્યનો દરજ્જો મળવો જોઈએ અને વહેલી તકે અહીં વિધાનસભા ફરી શરૂ થવી જોઈએ.


નફરતનો ખાતમો કરવો છે


ભારત જોડો યાત્રાને લઈને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ યાત્રાનો ધ્યેય દેશને એક કરવાનો છે, નફરત ઓછી કરવાનો છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય બીજેપીની નફરત સામે ઉભું રહેવાનો છે. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોંઘવારી અને બેરોજગારી સતત વધી રહી છે અને ભાજપ સરકાર દરેક મોરચે નિષ્ફળ સાબિત થઈ છે.


'રાજનાથ સિંહની પાર્ટી દેશમાં નફરત ફેલાવી રહી છે'


એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું જમ્મુના લોકોનું દર્દ સમજ્યો છું. મને જમ્મુના લોકો પાસેથી પણ ઘણું શીખવા મળ્યું છે. રાજનાથ સિંહના નિવેદન પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મને સમજાતું નથી કે જે પદયાત્રા આખા દેશમાં થઈ રહી છે અને દેશને એક કરી રહી છે તે દેશના હિતોને કેવી રીતે નુકસાન પહોંચાડી રહી છે. રાહુલે કહ્યું, "હું જોઈ શકું છું કે રાજનાથ સિંહની પાર્ટી દેશમાં નફરત ફેલાવી રહી છે અને તેનાથી દેશને નુકસાન થઈ રહ્યું છે."


'રાજનાથ સિંહને ઉપરથી આદેશ મળ્યો'


રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, રાજનાથ સિંહ એ જ બોલે છે જે તેમને ઉપરથી કહેવામાં આવે છે. તે પોતાની વાત રજુ નથી કરી શકતા. રાજનાથ સિંહને ઉપરથી આદેશ મળે છે. આજે દેશમાં લોકો ધર્મ અને જાતિના આધારે વિભાજિત થઈ રહ્યા છે. એક પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારત જોડો યાત્રા દેશને એક કરવા માટે છે અને તે કોંગ્રેસ માટે તપસ્યા સમાન છે. આ સફરમાં અમને ઘણું શીખવા મળ્યું.