Rahul Gandhi on India Pakistan ceasefire: ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' અંગે રાજકારણ ગરમાયું છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આ ઓપરેશનને લઈને કેન્દ્ર સરકાર પર આકરા સવાલ ઉઠાવ્યા છે. તેમણે ઓપરેશન દરમિયાન ભારતીય વાયુસેનાએ ગુમાવેલા વિમાનોની સંખ્યા અને પાકિસ્તાનને કથિત રીતે અગાઉથી જાણ કરવા અંગે સરકાર પાસેથી ખુલાસો માંગ્યો છે.

રાહુલ ગાંધીએ એક ખાનગી ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા વીડિયોનો ઉલ્લેખ કરીને વિદેશ મંત્રી એસ. જયશંકરના કથિત નિવેદનના આધારે સરકારને ઘેરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, "આપણા હુમલાની શરૂઆતમાં પાકિસ્તાનને જાણ કરવી એ ગુનો હતો. વિદેશ મંત્રીએ જાહેરમાં સ્વીકાર્યું છે કે ભારત સરકારે આ કર્યું હતું."

આધારહીન કહી શકાય તેવા આ દાવા બાદ, રાહુલ ગાંધીએ સરકારને સીધા પ્રશ્નો પૂછ્યા: "આને કોણે મંજૂરી આપી? આના પરિણામે આપણી વાયુસેનાએ કેટલા વિમાનો ગુમાવ્યા?" તેમણે એવો પણ પ્રશ્ન કર્યો કે આના કારણે આપણે કેટલા યુદ્ધ જહાજો ગુમાવ્યા (જોકે ઓપરેશન સિંદૂર મુખ્યત્વે હવાઈ કાર્યવાહી હતી).

વીડિયોમાં જયશંકરનું વાસ્તવિક નિવેદન શું છે?

રાહુલ ગાંધી દ્વારા શેર કરાયેલા વીડિયોમાં વિદેશ મંત્રી એસ. જયશંકર એમ કહેતા સંભળાય છે કે, "ઓપરેશનની શરૂઆતમાં, અમે પાકિસ્તાનને સંદેશ આપ્યો હતો કે અમે આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યા છીએ. અમે સૈન્ય પર હુમલો કરી રહ્યા નથી. તેથી, સૈન્ય પાસે આ પ્રક્રિયામાં દખલ ન કરવાનો અને દૂર રહેવાનો વિકલ્પ છે. તેઓએ સારી સલાહનું પાલન ન કરવાનું પસંદ કર્યું."

આ નિવેદનમાં ક્યાંય પણ ભારત દ્વારા પાકિસ્તાનને હુમલાની અગાઉથી જાણ કરવામાં આવી હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો નથી, પરંતુ માત્ર આતંકવાદી ઠેકાણાઓને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યા છે તેવો સંદેશ પાઠવવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થાય છે.

સરકારનો જવાબ અને PIB ફેક્ટ ચેક:

રાહુલ ગાંધી દ્વારા આ પ્રશ્નો ઉઠાવ્યા બાદ સરકારે તેમના આરોપોને નકારી કાઢ્યા છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ પણ આ મામલે ફેક્ટ ચેક કરીને સ્પષ્ટતા કરી છે. PIB એ જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં વિદેશ મંત્રી એસ. જયશંકરના નિવેદનને ખોટી રીતે રજૂ કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કરતા પહેલા પાકિસ્તાનને જાણ કરી હતી.

PIB એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે વિદેશ મંત્રીનો ખોટો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે અને તેમણે આવું કોઈ નિવેદન આપ્યું નથી. PIB એ પ્રસારિત થઈ રહેલા આ દાવાઓને ભ્રામક ગણાવ્યા છે.