Rahul Gandhi On Marriage: ઘણા લાંબા સમયથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના લગ્નને લઈને અનેકવાર ચર્ચાઓ છેડાઈ ચુકી છે. તેઓ લગ્ન કરશે કે કેમ? તેને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે. આખરે રાહુલ ગાંધીએ પોતાના લગ્નને લઈને પોતાની ઈચ્છા વ્યક્ત કરી દીધી છે. રાહુલ ગાંધી કેવી જીવન સંગીની ઈચ્છે છે તેને લઈને પણ તેમને આજે ખુલાસો કરી નાખ્યો છે. રાહુલે વિરોધી રાજકીય પક્ષો તરફથી પપ્પુ કહેવાને લઈને પણ ખુલીને વાત કરી હતી. 


રાહુલ ગાંધીએ કહ્યું છે કે, તેઓ લગ્ન માટે એવી છોકરી પસંદ કરશે જેમાં તેમની દાદી ઈન્દિરા ગાંધી અને માતા સોનિયા ગાંધી જેવા ગુણો હોય. તેણે એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કરી હતી. જ્યારે રાહુલ ગાંધીને તેમના દાદી સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, તે મારા જીવનનો પ્રેમ હતાં. તે મારી બીજી માતા હતી.


જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તે ઈન્દિરા ગાંધીના ગુણો ધરાવતી છોકરી સાથે લગ્ન કરવા ઈચ્છે છે, તો તેણે કહ્યું, "આ એક દિલચસ્પ સવાલ છે. મને એવી છોકરી ગમશે જેમાં મારી દાદી અને માતાના ગુણો હોય. રાહુલ ગાંધીએ પોતાને ભાજપ સહિતના રાજકીય પક્ષો દ્વારા પપ્પુ કહીને ટિકા કરવામાં આવતી હોવાને લઈને પણ દિલ ખોલીને ચર્ચા કરી હતી.   


રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જ્યારે કોઈ તેમને 'પપ્પુ' કહે છે ત્યારે તેમને ખરાબ નથી લાગતું કારણ કે, આ બધુ જ પ્રચારનો એક ભાગ છે અને જે લોકો આમ કહીને બોલે છે તેઓ પોતે જ પરેશાન અને ડરેલા હોય છે. આ પ્રચારનો એક ભાગ છે. જે આમ બોલી રહ્યા છે તેની અંદર ડર છે, તેના જીવનમાં કંઈ નથી, તેના સંબંધો સારા નથી ચાલી રહ્યા. જો મને ગાળ આપવાની જરૂર હોય તો મને ગાળ આપો,  મારી સાથે દુર્વ્યવહાર કરો, હું તેનું સ્વાગત કરીશ.


રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે, હું કોઈને નફરત કરતો નથી. તમે માને ગાળો આપો... હું તમને નફરત નહીં કરું. તેમણે આ મુલાકાતમાં કાર અને બાઇક વિશે પણ વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમની પાસે પોતાની કોઈ કાર નથી, પરંતુ તેમની માતા પાસે કાર છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે હું લંડનમાં રહેતો હતો ત્યારે હું આરએસ 20 બાઇક ચલાવતો હતો, તે મારા જીવનનો એક પ્રેમ છે.


રાહુલ ગાંધીનું કહેવું હતું કે, તેમને સાયકલ ચલાવવી ગમે છે અને એક સમયે લેમ્બ્રેટા (સ્કૂટર) પસંદ હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારત ઇલેક્ટ્રિક વાહનો અને ડ્રોન મામલે હજુ પણ ઘણું પાછળ છે કારણ કે તેની પાસે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે.