Budget 2024: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બજેટ 2024માં કેપિટલ ગેઈન ટેક્સ વધારવા અને રિયલ એસ્ટેટ સેક્ટર માટે ઈન્ડેક્સેશન સમાપ્ત કરવા બદલ મોદી સરકારની આકરી ટીકા કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ બજેટમાં સરકારે મધ્યમ વર્ગની પીઠ અને છાતીમાં છરો માર્યો છે. વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, ઈન્ડેક્સેશન સુવિધા નાબૂદ કરીને સરકારે મધ્યમ વર્ગની પીઠમાં છરો ભોંક્યો છે અને શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો કરીને સરકારે મધ્યમ વર્ગની છાતીમાં છરો માર્યો છે.  


રાહુલ ગાંધીએ કહ્યું કે 'યુવાનો અગ્નિપથ યોજનાના ચક્કરમાં ફસાઈ ગયા. ખેડૂતોએ સરકાર પાસે કાયદાકીય ગેરંટી યોજનાની માંગણી કરી હતી, પરંતુ સરકારે તેમની માંગણી સ્વીકારી ન હતી. ખેડૂતો લાંબા સમયથી રસ્તા પર આંદોલન કરી રહ્યા છે. તાજેતરમાં જ તેઓ મને મળવા આવ્યા,  પરંતુ તેને અહીં આવવા દેવામાં ન આવ્યા. રાહુલે કહ્યું કે 'જો સરકારે બજેટમાં MSPની જોગવાઈ કરી હોત તો ખેડૂતો આ ચક્રવ્યૂહમાંથી બહાર આવી શક્યા હોત. વિપક્ષી ગઠબંધન વતી હું કહેવા માંગુ છું કે જો અમારી સરકાર બનશે તો ખેડૂતોને MSP આપવામાં આવશે.






રાહુલ ગાંધીએ કહ્યું કે, 'સરકારે બજેટમાં મોટા ઉદ્યોગપતિઓને લાભ આપ્યો, પરંતુ નાના દુકાનદારો અને કરદાતાઓને કોઈ લાભ આપ્યો નથી. રોજગારના મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે બજેટમાં ઈન્ટર્નશિપ પ્રોગ્રામની વાત કદાચ મજાક હતી. દેશની મોટી કંપનીઓમાં આ ઈન્ટર્નશિપ આપવામાં આવશે, પરંતુ તેનાથી યુવાનોને કોઈ ફાયદો થશે નહીં. આજના યુવાનોનો મુખ્ય મુદ્દો પેપર લીકનો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં આ દેશમાં 70 વખત પેપર લીકની ઘટનાઓ બની છે.


લોકસભામાં બજેટ પર બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે હજારો વર્ષ પહેલા કુરુક્ષેત્રમાં 6 લોકોએ અભિમન્યુને 'ચક્રવ્યુહ'માં ફસાવીને મારી નાખ્યો હતો...મેં થોડું રિસર્ચ કર્યું તો ખબર પડી કે 'ચક્રવ્યૂહ'નુ બીજું નામ છે 'પદમાવ્યુહ' - જેનો અર્થ થાય છે 'કમળ  નિર્માણ'. 'ચક્રવ્યુહ' કમળના ફૂલ  આકારમાં છે. 21મી સદીમાં એક નવું 'ચક્રવ્યુહ' બન્યું છે - તે પણ કમળના ફૂલના રૂપમાં તૈયાર થયું છે. તેનુ પ્રતિક વડાપ્રધાન પોતાની છાતી પર લગાવીને ચાલે છે. અભિમન્યુ સાથે જે કરવામાં આવ્યું હતું, તે ભારત માટે કરવામાં આવી રહ્યું છે -  યુવાનો, ખેડૂતો, મહિલાઓ, નાના અને મધ્યમ ઉદ્યોગો સાથે કરવામાં આવી રહ્યું છે.