Lakhimpur Kheri Case: લખીમપુર ખીરી કાંડને લઈ એસઆઈટીની તપાસમાં જે ખુલાસા થયા છે ત્યારબાદ વિપક્ષ કેંદ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. મામલાની તપાસ માટે બનાવાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે માન્યુ છે કે, ખેડૂતોને જીપ નીચે કચડવાની ઘટના પૂર્વયોજિત કાવતરુ હતી. આ વાત સામે આવ્યા બાદ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ લખીમપુર ખીરી કાંડની એસઆઈટી તપાસ સાથે જોડાયેલા એક સમાચારનો સ્ક્રીનશોટ શેર કરી લખ્યું, મોદી જી, ફરી માફી માંગવાનો ટાઈમ આવી ગયો છે. પરંતુ પહેલા અભિયુક્તના પિતાને મંત્રી પદ પરથી હટાવો. એસઆઈટીની તપાસને લઈ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે સત્ય સામે છે.
ત્રણ ઓક્ટોબરે સર્જાયેલા આ હત્યાકાંડની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે મુખ્ય ન્યાયાધીશ સમક્ષ રજૂ કરેલી અરજીમાં આરોપીઓ સામે નવી કલમો સામેલ કરવા માટે અનુરોધ કર્યો હતો.હવે આરોપીઓ પર જાણી જોઈને પ્લાનિંગ કરીને આ ગુનો કરવા માટેની કલમોનો ઉમેરો કરાયો છે.
તપાસ અધિકારીનુ કહેવુ છે કે, ખેડૂતોની જીપ નીચે કચડવાની ઘટના પૂર્વ આયોજિત હતી અને આ કોઈ બેદરકારીનો મામલો નહોતો. હવે આરોપીઓ સામે હત્યાના પ્રયાસની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ ઓક્ટોબરે આ ઘટના બની હતી.જેમાં ખેડૂતો પર જીપ ચઢાવી દેવામાં આવી હતી.આ હિંસામાં ખેડૂતો તેમજ સ્થાનિક પત્રકારનુ પણ મોત થયુ હતુ.
શું છે સમગ્ર મામલો?
3 ઓક્ટોબરના રોજ યુપીના લખીમપુર ખીરીના ટિકુનિયા ખાતે ચાર ખેડૂતો પર એક SUV કારમાં ચઢાવી દેવામાં આવી હતી, જ્યારે તેઓ કૃષિ કાયદાનો વિરોધ કરીને એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેની હાજર રહ્યા હતા. આ ઘટના બાદ થયેલી હિંસામાં કેટલાક લોકોના મોત પણ થયા હતા.
આ સમગ્ર ઘટના દરમિયાન સ્થાનિક પત્રકાર રમણ કશ્યપનું પણ મોત થયું હતું. ખેડૂતોનો આરોપ છે કે એસયુવી અજય મિશ્રા ટેનીની છે અને તેમાં તેમનો પુત્ર આશિષ મિશ્રા હતો. સુપ્રીમ કોર્ટમાં આ કેસની પ્રથમ સુનાવણી 8 ઓક્ટોબરે થઈ હતી. ઘણા દિવસોની હિંસા બાદ, આશિષ મિશ્રા ઉર્ફે મોનુની 9 ઓક્ટોબરે ઘણા કલાકોની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.