નવી દિલ્હીઃ દેશમાં વધતા જતાં કોરોનાના કેસોને લઇને કોરોના વેક્સિન પર કામ ચાલી રહ્યું છે, પરંતુ હવે આ મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર સીધો હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોરોના વાયરસની દવા માટે સરકારે કોઇ યોગ્ય રણનીતિ નથી બનાવી. રાહુલ ગાંધીએ આરોપ લગાવતા કહ્યું કે, સરકાર આ મામલે બેદરકાર છે જે ચિંતાજનક અને ખતરનાક છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું- કૉવિડ માટે દવા સુધી પહોંચવાની એક યોગ્ય અને પુરેપુરી રણનીતિ અત્યાર સુધી બની જવી જોઇતી હતી. પરંતુ હજુ સુધી આના કોઇ સંકેત નથી. ભારત સરકારની કોઇ તૈયાર ના હોવી એ ખતરનાક છે.



થોડાક દિવસો પહેલા પણ રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે સરકારને કોરોના વાયરસની વેક્સિનનો ઉપયોગ, આના વિતરણની વ્યવસ્થા પર અત્યારથી કામ કરવુ જોઇએ.

દેશમાં આજે કોરોનાના નવા કેસોએ રેકોર્ડ તોડી નાંખ્યો છે. છેલ્લા 24 કલાકમાં 75,760 નવા દર્દીઓ સામે આવ્યા છે, અને 1023 લોકોના મોત થઇ ચૂક્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા 33 લાખ 10 હજાર થઇ ગઇ છે. આમાંથી 60,472 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસોની સંખ્યા 7 લાખ 25 હજાર છે. જ્યારે 25 લાખ 23 હજાર લોકો સાજા થઇને ઘર પરત ફરી ચૂક્યા છે.