Rahul Gandhi PMO visit: દેશની રાજધાની દિલ્હીમાં આજે, સોમવારે, એક મહત્વપૂર્ણ રાજકીય અને ન્યાયિક બેઠક મળી રહી છે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે સાઉથ બ્લોક સ્થિત પીએમઓ (પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ) પહોંચ્યા છે.
રાહુલ ગાંધી ઉપરાંત, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સંજીવ ખન્ના પણ પીએમઓ પહોંચ્યા છે અને વડાપ્રધાન સાથેની બેઠકમાં જોડાયા છે.
મળતી માહિતી મુજબ, વડાપ્રધાન કાર્યાલયમાં આ બેઠક કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) ના ડિરેક્ટરની નિમણૂકને લઈને મળી રહી હોવાનું માનવામાં આવે છે. CBI ડિરેક્ટરની પસંદગી માટેની ઉચ્ચ-સ્તરીય સમિતિમાં વડાપ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થાય છે.
પીએમઓ ખાતે ચાલી રહેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્ના હાજર છે. CBI ડિરેક્ટર જેવા મહત્વપૂર્ણ પદની નિમણૂક અંગે ચર્ચા માટે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે.
કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) ના વર્તમાન ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ આગામી ૨૫ મેના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે. તેઓ મે ૨૦૨૫ માં CBI ના ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા હતા.
૧૯૮૬ બેચના કર્ણાટક કેડરના ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી પ્રવીણ સૂદે ૨૫ મે ૨૦૨૩ ના રોજ CBI ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે તત્કાલીન ડિરેક્ટર સુબોધ જયસ્વાલનું સ્થાન લીધું હતું. CBI ના વડા તરીકેનો તેમનો કાર્યકાળ હવે પૂર્ણ થવાને આરે છે.
CBI ડિરેક્ટરની નિમણૂક દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ (૧૯૪૬) હેઠળ કરવામાં આવે છે. આ કાયદામાં વર્ષ ૨૦૧૩ માં મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારા અનુસાર, CBI ના વડાની નિમણૂક માટે એક ત્રણ સભ્યોની સમિતિની ભલામણ ફરજિયાત છે. આ સમિતિમાં વડા પ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થાય છે. આ સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણના આધારે જ કેન્દ્ર સરકાર CBI ના ડિરેક્ટરની નિમણૂક કરે છે. હવે જોવાનું એ રહેશે કે પ્રવીણ સૂદના સ્થાને કોણ CBI ના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત થાય છે.
