નવી દિલ્હી: રેલવેએ એક જૂનથી શરૂ થનારી 100 ટ્રેનો માટે ટિકિટની તપાસ કરતા કર્મચારીઓ માટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. 167 વર્ષના ઈતિહાસમાં એવું પ્રથમ વખત થયું છે કે જ્યારે રેલવેએ ટ્રેનમાં સવાર ટિકિટની તપાસ કરતા કર્મચારી ટીટીઈને ટાઈ અને કોટ પહેરવામાંથી મુક્તી આપી છે. ટીટીઈને મેગ્નિફાઈંગ ગ્લાસ આપવામાં આવશે જેથી તેઓ દૂરથી ટિકિટની તપાસ કરી શકે અને શારિરીક સંપર્કથી બચી શકે.


ટ્રેનોમાં ટિકિટની તપાસ કરતા કર્મચારીઓ ટીટીઈની સુરક્ષાને લઈને તેમને માસ્ક, ફેસ શીલ્ડ, સેનિટાઈઝર, સાબુ સહિત અન્ય ચીજ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કોરોના સંકટ વચ્ચે 1 જૂનથી દેશ ભરમાં 100 જોડી ટ્રેન ચાલુ થશે. એટલે કે આવન-જાવન મળી કુલ 200 ટ્રેન ચાલશે. આઈઆરસીટીસી વેબસાઈટથી ઓનલાઈન ટિકિટ બુકિંગ પહેલાથી જ શરૂ થઈ ગયું છે. આ ટ્રેન સ્પેશલ ટ્રેન કહેવાશે પરંતુ આ ટ્રેનમાં એસી, નોન એસી અને જનરલ કોચ પણ હશે. જનરલ કોચની ટિકિટ પણ બૂક હશે.

મુસાફરોએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન માસ્ક પહેરવું અને મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ રાખવી ફરજિયાત છે. મુસાફરોએ સ્ટેશન પર ટ્રેન ઉપડવાના દોઢ કલાક પહેલા પહોંચવાનું રહેશે.