નવી દિલ્હીઃ હાલમાં દેશના ઘણા રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીના કારણે પરેશાન થઇ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી લોકોને રાહત આપી શકે છે. ઉત્તર ભારતના રાજ્યોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે. દરમિયાન હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી થોડા દિવસોમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં હવામાન પલટો આવે તેવી સંભાવના છે.
આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી અનુસાર, હિમાચલ પ્રદેશથી લઈને ઉત્તર પ્રદેશ સુધીના ઘણા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 16 અને 17 મેના રોજ ભારે પવન સાથે ગાજવીજ, વરસાદ અને કરા પડવાની સંભાવના છે. ઉત્તર પંજાબ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં 16 અને 17 મેના રોજ પણ હળવો વરસાદ થવાની સંભાવના છે.
આ રાજ્યોમાં વાવાઝોડાની શક્યતા
16 મેના રોજ હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વાવાઝોડાની સંભાવના છે. 14 અને 15 મેના રોજ ઉત્તર રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.