નવી દિલ્હી: ઉત્તર ભારતના પર્વતો પર હિમવર્ષાને કારણે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. આજે હોળી છે ત્યારે પણ પર્વતીય ક્ષેત્રોમાં ડિસેમ્બર જેવું ઠંડું વાતાવરણ સર્જાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દિલ્હી-એનસીઆર અને યુપીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.


આ ઉપરાંત પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનના હવામાનમાં પણ પલટો જોવા મળ્યો હતો અને આગામી બે દિવસમાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે ગુજરાતમાં વાતાવરણમાં પણ પલ્ટો જોવા મળ્યો હતો અને આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

યુપીના મધ્ય અને પૂર્વ સ્થળોએ સારો વરસાદ પડે તેવી સંભાવના છે. બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં વરસાદ પડે તેવી શક્યતા છે. આ રાજ્યોમાં પવનની સાથે વીજળી પડવા અને કરાંવૃષ્ટિ થવાની પણ શક્યતા છે. ઓડિશાના મધ્ય ભાગોમાં પણ હળવી ગતિવિધિઓ જોવા મળી શકે છે.

હિમાચલમાં શુક્રવારથી અનેક જગ્યાએ વરસાદ અને હિમવર્ષાને લીધે લોકોને માર્ચમાં ડિસેમ્બર જેવી ઠંડીનો સામનો કરવો પડે તેવા એંધાણ છે. શનિવારે રાજધાની શિમલા, મનાલી, રોહતાંગ પાસ સહિત પ્રદેશોમાં શિખરો પર હિમવર્ષા જોકે નીચલા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.