Mumbai : યુપી અને બિહારના લોકો વિરુદ્ધ પોતાના આક્રમક નિવેદનોને કારણે વિવાદોમાં રહેલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે (raj thackeray) ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેમણે મહારાષ્ટ્ર (maharashtra) સરકાર પાસે માંગ કરી છે કે તમામ મસ્જિદો (mosque) માંથી લાઉડસ્પીકર (loudspeaker) હટાવવા જોઈએ. આ સાથે તેમણે મસ્જિદો પાસે હનુમાન ચાલીસા વગાડવાની પણ ચેતવણી આપી હતી.
રાજ ઠાકરેએ આપી ચેતવણી
પોતાના કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું કે, હું કોઈની પ્રાર્થનાની વિરુદ્ધ નથી. તમે તમારા ઘરે પ્રાર્થના કરી શકો છો પરંતુ સરકારે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનો નિર્ણય લેવો જોઈએ. તેમણે કહ્યું કે, હવે હું ચેતવણી આપું છું કે તરત જ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવો, નહીં તો અમે મસ્જિદની સામે લાઉડસ્પીકર લગાવીશું અને હનુમાન ચાલીસા વગાડીશું.
મોદીને કહ્યું, મસ્જિદોમાં ખોટા કામ થાય છે
રાજ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપીલ કરતાં કહ્યું કે તેઓ એકવાર મુંબઈમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આવેલી મસ્જિદો પર દરોડા પાડવાનો પ્રયાસ કરે. અહીં રહેતા મોટાભાગના લોકો પાકિસ્તાની સમર્થકો મળશે. તેમણે મોદીને મદરેસાઓમાં રેડ અંગે પણ વાત કરી હતી. રાજ્ય સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે પોલીસને પણ ખબર છે કે ક્યાં ખોટું થઈ રહ્યું છે, પરંતુ ધારાસભ્યો તે લોકોને વોટબેંક તરીકે ઉપયોગ કરી રહ્યા છે.
શરદ પવાર પર પ્રહાર, યોગીના વખાણ કર્યા
તેમણે NCP ચીફ શરદ પવાર પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે તેઓ રાજ્યમાં જાતિવાદી રાજકારણ માટે જવાબદાર છે. આ સાથે તેમણે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશ પ્રગતિ કરી રહ્યું છે અને તેઓ ઈચ્છે છે કે મહારાષ્ટ્ર પણ આવું જ થાય. તેમણે એમ પણ કહ્યું કે તેઓ અયોધ્યા જશે, પરંતુ ક્યારે જશે તે જણાવ્યું નથી.