નવી દિલ્હી: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સોમવારે મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોડાને મળ્યા હતા. રાજ ઠાકરેએ આ વર્ષના અંતમાં યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરાવવાની માંગ કરી હતી.
છેલ્લા એક દશક કરતા પણ વધારે સમયમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રથમ વખત આવેલા ઠાકરેએ કહ્યું કે તેમણે ચૂંટણી પંચને એક પત્ર આપી બેલેટ પેપરથી  ચૂંટણી કરવવાની માંગ કરી હતી. તેમણે મુલાકાતને માત્ર ઔપચારિક ગણાવી હતી.


તે સિવાય રાજ ઠાકરેએ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે જનપથ પર મુલાકાત કરી હતી. રાજ ઠાકરેએ ઇવીએમ મુદ્દા પર સોનિયા ગાંધી સાથે વાતચીત કરી હતી. સૂત્રોના મતે આ બેઠક દરમિયાન મહારાષ્ટ્ર ચૂંટણીના મુદ્દા પર બંન્ને નેતાઓએ ચર્ચા કરી હતી. બંન્ને નેતાઓ વચ્ચે બેઠક 40 મિનિટ સુધી ચાલી હતી.